ક્રિકેટ વિશ્વની સૌથી પ્રખ્યાત રમતોમાંની એક છે. ભારતીય લોકોનો ક્રિકેટ પ્રત્યે અલગ જ લગાવ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ મોટી સંખ્યામાં લોકોને આ રમત ગમે છે. ક્રિકેટ બોર્ડ આ રમતને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ તે છે જે રાષ્ટ્રીય ટીમ તરફથી રમતા ખેલાડીઓ અને ઘરેલુ ખેલાડીઓ પર નજર રાખે છે. ઘણા દેશોના ક્રિકેટ બોર્ડે પણ લીગનું આયોજન શરૂ કર્યું છે. જેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને પાકિસ્તાન સુપર લીગ જેવી ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે. આઇપીએલ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની દેખરેખ હેઠળ યોજાય છે. વિશ્વની સૌથી પ્રખ્યાત ટી-૨૦ લીગથી બીસીસીઆઈને બમ્પર આવક મળે છે. તો ચાલો જાણીએ કે ભારતમાં ક્રિકેટને નિયંત્રિત કરતી બીસીસીઆઇની આવક અને વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ વિશે.
જો વાત કરવામાં આવે સૌથી ધનિક ક્રિકેટ બોર્ડની તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આ યાદીમાં પ્રથમ ક્રમે છે. તેની આવક 3730 કરોડ રૂપિયા છે દર વર્ષે થતી આઇપીએલથી બીસીસીઆઈને ઘણો ફાયદો થાય છે. બીસીસીઆઈએ અનેક કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. Byju’s એમપીએલ, પેટીએમ, ડ્રીમ 11, અંબુજા સિમેન્ટ્સ અને સ્ટાર સ્પોર્ટ્સ બીસીસીઆઇ સાથે સંકળાયેલા છે. ભારતમાં ક્રિકેટ પર નિયંત્રણ ધરાવતી બીસીસીઆઇનું મુખ્ય મથક મુંબઈમાં છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઇના પ્રમુખ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ): ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વિશ્વનું બીજું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની આવક 2843 કરોડ રૂપિયા છે. તે વિશ્વના સૌથી જૂના ક્રિકેટ બોર્ડમાંનું એક છે. તેની સ્થાપના ૧૯૦૫ માં કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક મેલબર્નમાં છે. વોડાફોન, ડેટોલ, કોમનવેલ્થ બેંક, એચસીએલ, કેએફસી જેવી કંપનીઓના ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે કરાર છે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી): ઈંગ્લેન્ડનું ક્રિકેટ બોર્ડ વિશ્વના સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડમાંનું એક છે. તે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેનું મુખ્ય મથક લોર્ડ્સમાં છે. વિટૈલીટી, રોયલ લંડન અને ન્યૂ બેલેન્સ જેવી કંપનીઓના ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) સાથે કરાર છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી): પીસીબીની કુલ આવક 811 કરોડ રૂપિયા છે. તેની સ્થાપના ૧૯૪૯ માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક લાહોરમાં છે. પેપ્સી, યુનાઇટેડ બેંક લિમિટેડ અને પીટીસીએલ જેવી કંપનીઓ પીસીબીને સ્પોન્સર કરે છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી): એક અહેવાલ મુજબ બીસીબીની કુલ આવક 802 કરોડ રૂપિયા છે. તે વિશ્વનું પાંચમું સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની સ્થાપના ૧૯૭૨ માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક ઢાકામાં છે. દારાજ, આમરા નેટવર્ક અને પૈન પેસિફિક જેવી કંપનીઓએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) સાથે કરાર કર્યો છે.