જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંચારી રોગચાળા નિયંત્રણની સમીક્ષા બેઠક યોજાઇ
મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સંચારી રોગ અટકાયતની જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ બેઠકમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળાની વર્તમાન પરિસ્થિતિ, પાણીની પાઇપલાઇનના લીકેજનું સમારકામ, ક્લોરીનેશનની કામગીરી, ફોગીંગ તેમજ અન્ય કામગીરી વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં મોરબી જિલ્લામાં હિપેટાઇટીસ, ફીવર, ડાયેરીયા, ઇન્ફલ્યુએન્ઝા, સીઝનલ ફ્લ્યુ વગેરે રોગચાળાની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત અને નગરપાલિકા કક્ષાએથી રોગચાળાનું નિયમિત નિરીક્ષણ થાય તે જરૂરી છે. જ્યાંથી પાણીની પાઇપલાઇનના લીકેજની ફરિયાદ આવે તો ત્યાં તાત્કાલિક રીપેરીંગ થાય તે આવશ્યક છે. પાણીના નમૂનાની બેકટેરીયોજીકલ તપાસ થાય, પીવાના પાણીનું નિયમિત ક્લોરીનેશન થાય, ફિનાઇલ- મેલેરિયલ ઓઇલ- ટી.સી.એલ. પાવડરના સ્ટોકની જાળવણી, જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી, ફોગીંગની કામગીરી નિયમિત ધોરણે થાય તેની ખાસ સૂચના આપી હતી.
કલેકટરએ સમગ્ર જિલ્લામાં આવેલ વિવિધ બરફના કારખાના, હોટેલ, લોજ, ડાયનિંગ હૉલ, ખાણીપીણીના સ્ટોરમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા આરોગ્ય વિભાગને જણાવ્યું હતું. જેથી જાહેર આરોગ્ય પ્રતિ જાગૃતિલક્ષી ઝુંબેશને વધુ વેગ મળે.
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, સી.ડી.એચ.ઓ. ડો.પી.કે. શ્રીવાસ્તવ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ્સ, પાણી પુરવઠા, આરોગ્ય શાખાના કર્મચારીગણ અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.