એડવોકેટ વિનીત જિંદાલે એટર્ની જનરલ (એજી) કે.કે. વેણુગોપાલને પત્ર લખીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનાહિત તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરીની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાએ ભારતીય ન્યાયતંત્રની ગૌરવ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી છે. વિનીત જિંદલે પત્રમાં રાહુલ ગાંધીના તાજેતરના ઇન્ટરવ્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, “આ દેશમાં એક કાયદાકીય વ્યવસ્થા છે જેમાં દરેકને અવાજ ઉઠાવવાની 100 ટકા સ્વતંત્રતા છે. તે સ્પષ્ટ છે કે ભાજપ આ તમામ સંસ્થાઓ અથવા સિસ્ટમોમાં પોતાના લોકોને બેસાડે છે. તે એકદમ સ્પષ્ટ છે કે તેઓ આ દેશની સંસ્થાકીય માળખું છીનવી રહ્યા છે.” જિંદલે પોતાના પત્રમાં લખ્યું છે કે, “લોકશાહીને ન્યાયતંત્રની જરૂર હોય જે સ્વતંત્ર હોય, એક પ્રેસ જે મુક્ત હોય, ધારાસભ્યો જે તેના કાર્યોમાં સ્વતંત્ર હોય.” તેમણે વધુમાં કહ્યું કે રાહુલ દેશની ન્યાયિક વ્યવસ્થાને દોષી ઠેરવી રહ્યા છે. તેમણે ભારતીય ન્યાયતંત્રનો અનાદર કર્યો છે. તેમણે યાદ અપાવ્યું કે વડા પ્રધાન વિરુદ્ધ ટિપ્પણીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ભવિષ્યમાં સાવચેત રહેવાની ચેતવણી આપીને તેમની સામેના અવમાનના ( તિરસ્કાર) કેસને બંધ કરી દીધા હતા.