મહિલા કુસ્તીબાજ બબીતા ફોગાટે ત્રણેય કૃષિ કાયદા વિરોધી આંદોલનકારીઓને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે પોતાના ગામ દાદરીમાં પ્રવેશ દરમિયાન થયેલ વિરોધને ખોટો ગણાવ્યો હતો. પોતાના પુત્ર સાથે ગામમાં જતી વખતે આંદોલનકારીઓ દ્વારા કરાયેલ ઉગ્ર વિરોધની વાત કરતી વખતે બબીતા રડી પડી હતી. બબીતાએ કહ્યું કે, “ખેડૂતો આ પ્રકારનું કામ કરી શકતા નથી, તે વિપક્ષના ઇશારે કરવામાં આવી રહ્યું છે. જો ખેડૂતો હોત તો તેઓએ વાતચીતનો માર્ગ અવરોધ્યો ન હોત અને જીદ ન કરી હોત.”
બબીતાએ કહ્યું કે કૃષિ આંદોલનકારીઓએ તેમની જીદ છોડી સંવાદનો માર્ગ અપનાવવો જોઈએ.કાયદાની ખામીઓ દર્શાવતો પ્રસ્તાવ સરકારને રજૂ કરવો જોઈએ. બબીતા પત્રકારો સાથે આંદોલનકારીઓની કાર્યવાહી વિશે વાત કરતી વખતે ભાવુક થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે “જ્યારે મેં મેડલ જીત્યા ત્યારે હું કોઈ એક પ્રદેશ કે એક સમાજ માટે તે મેડલ જીતી નહોતી. આજે તેની કાર પર લાકડીઓ ફેંકવામાં આવી રહી છે, ગાળો બોલવામાં આવી રહી છે. ખેડૂતો ખરેખર આવું કામ ક્યારેય કરી શકે નહિ.”