તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં રહેલો ઉભો પાક જમીનદોસ્ત થતા જગતના તાત માથે આભ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ગામડામાં મોટું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના પાકને તૌકતે વાવાઝોડાએ ભારે નુકશાન કર્યું છે. સૌરાષ્ટ્રમાં 13,800 હેક્ટરમાં પથરાયેલા આંબાના વૃક્ષને વાવાઝોડાની અસર થઇ છે. આથી 60 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું હોવાથી કેરીની ખેતી કરતા ખેડૂતોને પડયા પર પાટા જેવી સ્થિતિ થઇ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ તૌકતે વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. ઉપલેટામાં બાગાયતી પાક કેળાના પાકની ખેતીને તીવ્ર નુકસાન થયું છે. કેળાનો તૈયાર થઈ ગયેલ 70% ટકા પાક પૂર ઝડપે ફૂંકાયેલા પવન સાથે ભારે વરસાદ વરસતાં જમીનદોસ્ત થયો છે. ગીર સોમનાથ, જૂનાગઢ ,ઉપલેટા, વંથલી, વિસાવદર, અમરેલી જેવા ગામોમાં બાગાયતી પાકને ભારે નુકસાન થવાથી જગતનો તાત ચિંતામાં સરી પડયો છે. ખેડૂતોએ વ્યાપક નુકસાનને પગલે તાત્કાલિક સર્વે કરીને સરકાર સહાય આપે તેવી માગણી ખેડૂતોએ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ વળતર સહાયની માંગણી રજૂ કરે તેવી માંગણી કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. ભારે નુકશાન થવાથી મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતના અસરગ્રસ્ત ખેતી વિસ્તારોના સરવેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે તૌકતે વાવાઝોડાથી આશરે 3000 હજાર કરોડનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક સર્વેમાં અંદાજ જોવા મળી રહ્યો છે. જેમાં કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડ, કેરીના પાકમાં 60 કરોડના નુકસાનનો અંદાજ છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વાવાઝોડાના કારણે જે નુકસાન થયું છે તેની વાત કરતા ખેડૂત પુત્રનું કહેવું છે છે કે, ” અમારી જીવન દોરી હાલ તૂટી ગઈ છે,અત્યારે અમારી ૫ વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યુ છે ,સરકાર અમારી મદદ કરે તો અમે ફરી ૫ વર્ષમાં ઊભા થઈ જઈશુ, પણ જો સરકાર અમને કોઈ સહાય નહિ કરે તો અમારું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે ” આવી રજૂઆત જગતના તાતએ કરી હતી.