પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ચક્રવાત યાસની અસરની સમીક્ષા કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. ચક્રવાત યાસે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વિનાશ વેર્યો છે. પીએમ મોદી વાવાઝોડા યાસને કારણે થયેલા નુકસાનનો તાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુવનેશ્વર પહોંચ્યા હતા અને ચક્રવાત યાસની અસર અંગે મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી બાલાસોર, ભદ્રક અને પૂર્વ મેદિનીપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ સર્વેક્ષણ માટે જશે અને બંગાળમાં સમીક્ષા બેઠક યોજશે.
મમતા સમીક્ષા બેઠકમાં ભાગ લેશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ પીએમ મોદી સાથેની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે. તેઓ કલાઈકુંડા એરફોર્સ સ્ટેશન પર પીએમ મોદીને મળશે અને ચક્રવાતના નુકસાન સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી સંભાવના છે.
આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ચક્રવાત યાસની અસરની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. અધિકારીઓએ તૈયારીઓ, નુકસાનનું મૂલ્યાંકન અને સંબંધિત બાબતોના વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી શેર કરી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ૪૬ ટીમો સાથે એનડીઆરએફની લગભગ ૧૦૬ ટીમો તૈનાત કરવામાં આવી હતી. તેઓએ 1,000થી વધુ લોકોને બચાવ્યા હતા અને 2500થી વધુ વૃક્ષો અને થાંભલાઓ જે પડી ગયા હતા તેને દૂર કર્યા હતા.
નૌકાદળ અને વાયુસેના સતર્ક હતા ત્યારે સેના અને કોસ્ટ ગાર્ડે ફસાયેલા લોકોને પણ બચાવ્યા હતા. બુધવારે દેશના પૂર્વીય દરિયાકાંઠે વાવાઝોડું યાસ ત્રાટક્યું હતું. યાસે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં તબાહી મચાવી હતી. ત્રણેય રાજ્યોમાં ૨૧ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે યાસ ચક્રવાતથી બંગાળમાં લગભગ ત્રણ લાખ મકાનોને નુકસાન થયું છે.
તમને જણાવી દઈએ કે ચક્રવાતી તોફાન યાસ બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’માં નબળું પડી ગયું છે અને આગામી 12 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને ધીમે ધીમે નબળું પડવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી ૧૨ કલાક દરમિયાન ધીમે ધીમે નબળું પડવાની સંભાવના છે. આ વાવાઝોડું આગામી ૧૨ કલાકમાં ઓડિશામાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ લાવશે અને ઉત્તર આંતરિક રાજ્યના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.