કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં વિનાશ સર્જ્યો છે. દરરોજ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અને કોવિડથી મૃત્યુઆંક વધતા લોકો ગભરાઈ ગયા છે. દર્દીઓની સતત વધતી સંખ્યાને કારણે આરોગ્ય તંત્ર પડી ભાંગ્યું છે. હાલ કોરોનાનો કહેર અટકતો નથી. દેશમાં શનિવારે પહેલી વાર રેકોર્ડ 4 લાખ કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે અને 3523 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ભારત પહેલાં એક દિવસમાં જ અમેરિકામાં ચાર લાખથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા હતા. શનિવારે વિશ્વના કોઈપણ દેશમાં એક દિવસમાં નવા કોરોના દર્દીઓ અને કોવિડથી મૃત્યુ પામનારની સૌથી વધુ સંખ્યા ભારતમાં નોંધાઈ. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થવાને કારણે રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં બેડ,વેન્ટિલેટર, રેમડેસિવિર્સ અને ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ઘણા કલાકો સુધી રાહ જોવી પડે છે. ઘણી જગ્યાએ સ્મશાનમાં જગ્યા ન હોવાથી ખુલ્લા મેદાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
દેશમાં પહેલી વાર ચાર લાખથી વધુ કોરોના દર્દીઓ મળ્યા
આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 4,01,993 નવા કોરોના દર્દીઓ મળ્યા છે. આ સાથે જ ભારતે કોરોનાઅસરગ્રસ્ત અન્ય દેશોને પાછળ છોડી દીધા હતા. દેશમાં ૨૨ એપ્રિલથી દરરોજ કોરોના સંક્ર્મણના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા હતા. હવે આ આંકડો ચાર લાખને પાર થઇ ગયો છે. આ સાથે દેશમાં સંક્રમિત વ્યક્તિઓની કુલ સંખ્યા 1,91,64,969 સુધી પહોંચી હતી. એક દિવસ પહેલા, શુક્રવારે દેશમાં 3.86 લાખથી વધુ નવા દર્દીઓ મળી આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3523 લોકોના મોત થયા હતા. આ સાથે કોવિડથી મૃત્યુઆંક 2 લાખ 11 હજાર 853 થઈ ગયો છે.