કોરોના વાયરસની બીજી લહેરમાં ભારત ઝઝૂમી રહ્યું છે. દરરોજ લાખો લોકો આ ખતરનાક વાયરસથી પ્રભાવિત થઈ રહ્યા છે, જ્યારે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાત અને વ્હાઇટ હાઉસના ચીફ મેડિકલ એડવાઇઝર ડો.એન્થની ફાઉચીએ ભારતને કોરોના સંક્ર્મણની ગતિ પર બ્રેક લગાવવા માટે કેટલાક સૂચનો કર્યા છે. તેમણે કહ્યું કે જો ભારત આ ત્રણ મુદ્દાની ફોર્મ્યુલા અપનાવે તો કોરોના ઇન્ફેક્શન ધીમું પડી જશે.
ચેપી રોગોના વિશ્વના ટોચના નિષ્ણાતોમાંના એક ગણાતા ડો. ફાઉચીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન રોગચાળાને પહોંચી વળવા ભારતને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ થવું જોઈએ અને લોકોને મોટા પાયે કોરોના રસી આપવી જોઈએ. સાથે જ મોટી સંખ્યામાં અસ્થાયી હોસ્પિટલો સ્થાપવી જોઈએ. ડૉ. ફાઉચીએ ભારતને રોગચાળાને પહોંચી વળવા લશ્કરી દળોની મદદ લેવાની સલાહ પણ આપી હતી. તેમણે સલાહ આપી હતી કે કામચલાઉ હોસ્પિટલોના તાત્કાલિક નિર્માણ માટે સશસ્ત્ર દળોની મદદ માંગી શકાય છે.
સેનાની મદદથી કામચલાઉ હોસ્પિટલો સ્થાપવામાં આવે.
ડૉ. ફાઉચીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જ્યારે ચીનને ગંભીર સમસ્યા હતી, ત્યારે તેણે નવી હોસ્પિટલો ખૂબ ઝડપથી બનાવવા માટે તેના સંસાધનો એકત્રિત કર્યા હતા જેથી જેમને દાખલ કરવાની જરૂર છે તે તમામ લોકોને હોસ્પિટલો પૂરી પાડી શકે. તેમણે મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં બેડની ગંભીર અછત છે અને કામચલાઉ વ્યવસ્થામાં લોકોની સંભાળ લેવામાં આવી રહી છે. અમેરિકાના સાત પ્રમુખો સાથે કામ કરી ચૂકેલા ડૉ. ફાઉચીએ સૂચન કર્યું હતું કે ભારતે તેના સૈન્યની મદદથી ફિલ્ડ હોસ્પિટલો બનાવવી જોઈએ, જેમ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવે છે. જેથી જે લોકો બીમાર હોય અને તેમને દાખલ કરવાની જરૂર હોય તેમને હોસ્પિટલોમાં બેડ મળી શકે. તેમણે કહ્યું કે ભારત સરકાર કદાચ તે પહેલેથી જ કરી રહી છે.
ડો. ફાઉચીએ જણાવ્યું હતું કે, જ્યારે લોકો આટલી મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે દરેકને પૂરતી કાળજી મળતી નથી. જો હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને અન્ય તબીબી પુરવઠાની અછત હોય તો તે ખૂબ જ નિરાશાજનક પરિસ્થિતિ બની જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત ઘણીવાર કટોકટીમાં અન્ય દેશોને મદદ કરે છે. પરંતુ હવે જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે અમેરિકાની જેમ બાકીના દેશોએ પણ ભારતને મદદ કરવી જોઈએ. સમગ્ર વિશ્વએ શાંતિપૂર્ણ રીતે મદદ કરવી જોઈએ.
વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે.
ડો. ફાઉચીએ કહ્યું હતું કે ભારતે હવે મોટા પાયે લોકોનું રસીકરણ કરવું જોઈએ. પછી તે તેમના દ્વારા વિકસિત રસીઓ હોય કે રશિયા અને યુ.એસ. જેવા અન્ય સપ્લાયર્સ પાસેથી ખરીદવામાં આવેલી રસીઓ હોય. જોકે, આ રસીકરણથી આજે ઊભી થયેલી સમસ્યાનો અંત આવશે નહીં. આ ઘણા અઠવાડિયામાં સમસ્યાને રોકવામાં મદદ કરશે. તાત્કાલિક પગલાં લઈ શકાય તેવા પગલાંનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, “હું જાણું છું કે ભારત પહેલેથી જ ઘણા પગલાં લઈ રહ્યું છે, તેથી હું તમને એવું કંઈ કહી રહ્યો નથી જે તમે પહેલેથી કરી રહ્યા નથી. થોડા દિવસો પહેલા મેં સૂચન કર્યું હતું કે દેશમાં લોકડાઉન લાદવામાં આવે અને ભારતના કેટલાક ભાગોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ”
સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવે.
ડો. ફાઉચીએ જણાવ્યું હતું કે સંક્રમણની ચેનને તોડવા માટે વિશ્વભરના દેશોએ ઘણી વાર લોકડાઉન લાધ્યું હતું. તે કિસ્સામાં, છ મહિનાના લોકડાઉનની જરૂર નથી. તમે થોડા અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરી શકો છો. તેમણે કહ્યું કે લોકડાઉન સંક્ર્મણના દરને ધીમું કરે છે અને સંક્રમણની ચેન તૂટે છે.