કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઝડપથી ફેલાઈ રહી છે. આ માત્ર યુવાનો, વૃદ્ધો જ નહીં પરંતુ બાળકોને પણ સૌથી વધુ ચેપ લગાવી રહ્યું છે. આ વાયરસ દરેક ઉંમરના બાળકોને અસર કરી રહ્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર બાળકોમાં કોરોના વાયરસના લક્ષણો કાં તો ભાગ્યે જ જોવા મળે છે અથવા બિલકુલ દેખાતા નથી.મહત્વનું છે કે બાળકોમાં કોરોના વાયરસના લક્ષણોની ઓળખ કરવામાં આવે અને સમયસર સારવાર કરવામાં આવે જેથી આ રોગ ગંભીર વળાંક ન લે. આ વિશેની માહિતી કેન્દ્ર સરકારના ટ્વિટર હેન્ડલ MyGovIndia પર શેર કરવામાં આવી છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોવિડ-19થી અસરગ્રસ્ત મોટાભાગના બાળકોમાં સામાન્ય રીતે હળવા તાવ, ઉધરસ, શરદી, શ્વાસ લેવામાં મુશ્કેલી, થાક, ગળામાં દુખાવો, ઝાડા, ખોરાકમાં સ્વાદનો અભાવ, ગંધની ક્ષમતા ગુમાવવી, સ્નાયુઓમાં દુખાવો અને વારંવાર નાકમાથી પ્રવાહ નીકળવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક બાળકોમાં પેટ અને આંતરડાની સમસ્યા તેમજ કેટલાક અસામાન્ય લક્ષણો જોવા મળે છે. સંશોધન મુજબ બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ નામનો નવો સિન્ડ્રોમ પણ જોવા મળ્યો છે. તે કોઈ રોગ નથી પરંતુ લક્ષણો પર આધારિત સિન્ડ્રોમ છે. કોવિડ-19થી સંક્રમિત મોટાભાગના બાળકોમાં હળવા તાવ, શરદી, ઝાડા વગેરે જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. પરંતુ મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમથી પીડાતા બાળકોમાં હૃદય, ફેફસાં, રક્તવાહિનીઓ, કિડની, પાચનતંત્ર, મગજ, ત્વચા અથવા આંખોમાં ચેપ અને સોજો જોવા મળ્યો છે. જોકે જો ઘરમાં અન્ય કોરોના પોઝિટિવ જોવા મળે તો બાળકોમાં ચેપના ચિહ્નો ન દેખાય તો પણ તેમની તપાસ કરવામાં આવે તે જરૂરી છે. આનાથી બાળકો માટે કોરોના પોઝિટિવ શોધવાનું સરળ બને છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, બાળકોને તાવ આવે ત્યારે પેરાસિટામોલ દર 4થી 6 કલાકે 10-15 મિગ્રા/કિલો ડોઝ લઈ શકે છે. જ્યારે ગળામાં દુખાવો અથવા કફ હોય છે, ત્યારે બાળકો અને યુવાનો બંને ગરમ પાણીમાં થોડું મીઠું ઉમેરી શકે છે અને કોગળા કરી શકે છે. બાળકોને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન અને પોષક તત્વોથી સમૃદ્ધ આહાર આપવો જોઈએ.