ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સિઝનમાં કોરોનાને કારણે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લઈ શકાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટમાં આગળ ચાલી રહેલી તમામ મેચોને મુંબઈ ખસેડવા વિચારણા કરી રહ્યું છે. ભારતમાં અન્ય તમામ સ્થળો સિવાય તમામ ટીમોને ૭ મે સુધીમાં મુંબઈ લઈ જઈ શકાય છે. અહેવાલો અનુસાર વાનખેડે અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં તમામ ટીમો માટે વ્યવસ્થા કરવામાં આવનાર છે. મીડિયા રિપોર્ટ મુજબ તમામ ટીમોને મુંબઈમાં હાજર કરવાની તારીખ 7 મે સુધીમાં નક્કી કરી દેવામાં આવી છે. જોકે,જો બોર્ડ અને ફ્રેન્ચાઇઝી ટીમને એવું લાગે કે હોટલો અને અન્ય સ્થળોને સેનિટાઇઝ કરવામાં આટલો સમય પર્યાપ્ત નથી તો થોડા વધુ દિવસો લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ સોમવારે મુલતવી રાખવામાં આવી હતી. કોલકાતાના બે ખેલાડી વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ બીસીસીઆઇએ ટુર્નામેન્ટના ભાવિ અંગે ચર્ચા કરી હતી અને હાલ સુધી કોલકાતાના સંપર્કમાં આવેલી દિલ્હી કેપિટલ્સની ટીમને ક્વોરેન્ટાઇન કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે અહેવાલ છે કે બોર્ડ ચાર્ટર વિમાનો, હોટલો અને સ્ટેડિયમોને સેનિટાઇઝ કરવામાં વ્યસ્ત છે અને ટૂંક સમયમાં મુંબઈમાં તમામ 8 ટીમોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. આઇપીએલ માટે આ વર્ષે છ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. બેંગ્લોર, દિલ્હી, અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાને આ વખતે મેચહોસ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમાંથી હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે તમામ ટીમોને મુંબઈ ખસેડવાની યોજના ચાલી રહી છે. મુંબઈમાં ત્રણ સ્ટેડિયમ છે જ્યાં મેચ યોજવાની સુવિધા છે. આ મેચ હાલ વાનખેડે ખાતે રમાઈ રહી છે. આ ઉપરાંત ડીવાય પાટિલ અને બ્રેબોર્ન સ્ટેડિયમ પણ મેચ માટે તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે.