કોરોના સંક્રમણની બીજી લહેરથી આર્થિક પ્રવૃત્તિને ગંભીર અસર થઈ હોવાથી બેરોજગારીનો દર એક વર્ષમાં ટોચ પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઆઈ)એ દાવો કર્યો છે કે એપ્રિલથી અત્યાર સુધીમાં લાખો નોકરીઓ અને રોજગારી ગુમાવવી પડી છે. સીએમઆઈઆઈના જણાવ્યા અનુસાર, 16 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બેરોજગારીનો દર વધીને 14.5 ટકા થયો છે, જે એપ્રિલમાં 8 ટકા હતો.ગયા વર્ષે ત્રણ લાંબા લોકડાઉનને કારણે બેરોજગારીનો દર રેકોર્ડ ઉંચાઈ પર હતો. એપ્રિલ-મે, 2021માં તે 23 ટકાથી વધુ રહ્યો હતો.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફરી સંક્રમણને લીધે ઘણા રાજ્યોમાં લોકડાઉન ચાલી રહ્યું છે, જેના કારણે કન્ઝ્યુમર ગુડ્સની ખરીદીમાં ઘટાડો થયો છે. એક અંદાજ મુજબ મે મહિનામાં બેરોજગારીનો દર ૧૦ ટકાથી વધુ રહેશે. સમગ્ર નાણાકીય વર્ષ 2020-21 માટે બેરોજગારીનો દર રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી સરેરાશ 8.8 ટકા થયો છે.
એપ્રિલથી અત્યાર સુધી લાખો નોકરીઓ ગુમાવવી પડી, 55 ટકા પરિવારોની આવક ઘટી.
કોરોના મહામારીએ પરિવારોની આવકને પણ અસર કરી હતી. લગભગ ૫૫.૫ ટકા પરિવારોનું કહેવું છે કે છેલ્લા નાણાકીય વર્ષમાં આવકમાં ઘટાડો થયો છે. ૪૧.૫ ટકા લોકો કહે છે કે તેમની આવક એક વર્ષમાં યથાવત રહી છે. માત્ર ૩.૧ ટકા પરિવારોએ તેમની આવક વધ્યાની વાત કરી હતી.