મુખ્યમંત્રીની મોરબી મુલાકાત દરમિયાન પ્રાણ પ્રશ્નોની રજૂઆત માટે રૂબરૂ મળવાની માંગ
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને મળવા લેખિત વિનંતી.
મોરબીની મુલાકાતે આવનારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને શહેરના મહત્વપૂર્ણ પ્રશ્નોની રજૂઆત કરવા માટે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન, ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે. મોરબીના નાગરિકોને મુખ્યમંત્રી સાથે રૂબરૂ મળીને દબાણ હટાવાની નીતિ, કાયદો-વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, વિકાસકામોની ધીમી ગતિ અને ગેરરીતિઓ જેવા પ્રશ્નો અંગે રજૂઆત માટે મળવાની તક આપવામાં આવે તેવી માંગણી સાથે લેખિત રજુઆત કરી છે.
મોરબીમાં આગામી ૨૬ માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિકાસ કાર્યોના લોકાર્પણ માટે મોરબીની મુલાકાતે આવનાર હોય ત્યારે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન, ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી.બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, મોરબીના જાગૃત નાગરિકો દ્વારા મોરબીના પ્રાણ પ્રશ્નો કે જે વર્ષોથી અણઉકેલ છે તે બાબતે તેમજ મોરબીમાં હાલ ચાલુ રહેલ દબાણ હટાવ ઝુંબેશમાં વહાલા દવલાની નીતિ, કાયદો અને વ્યવસ્થા, સ્વાસ્થ્યની સબંધિત સેવાઓ, મોરબીમાં વિકાસના કામોમાં થઇ રહેલ ગેરરીતિ અને કામોની ધીમી ગતિ વિગેરે બાબતે તેમજ આ ઉપરાંત આમ જનતાના પ્રાણ પ્રશ્નો બાબતે લોકોની વ્યથા અને રજૂઆત રૂબરૂ મળીને કરવા માંગીએ છીએ તો મળવા માટેનો સમય આપવા વિનંતીસહ માંગણી કરવામાં આવી છે. અંતમાં જણાવ્યું છે કે ઉપરોક્ત વિનંતીસહ માંગણી માટેની રજુઆત કરવા સમય આપવામાં નહી આવે તો હાલ જે થયેલા અન્યાય સામે વિરોધ પ્રદર્શન કરીશું તેવી ચેતવણી આપવામાં આવી છે.