મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો
નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદીજુદી સૌની યોજનાની 4 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે.
હાલ આ પાઈપલાઈનો દ્વારા 1 હજાર 300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. ક્રમશ: તેમાં વધારો કરીને 2000 ક્યુસેક્સ ઉપરાંત પાણીનું ઉદવહન કરીને સૌરાષ્ટ્રના આ જળાશયો આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.
વરસાદ ખેંચાશે તો આ જિલ્લાઓના આશરે 600 ચેકડેમ/તળાવો પણ ભરવાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં કરવામાં આવ્યું છે.હાલ પીવાના પાણીના જથ્થા માટે અનામત હોય તેવા જળાશયોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.