સમાન સિવિલ કોડ સમિતિએ મોરબી ખાતે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી
રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ માટે યુ.સી.સી.ના સભ્યોએ જિલ્લા કક્ષાએ સંવાદ સાધી મંતવ્યો મેળવ્યા
સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં યુ.સી.સી. કમિટીના સભ્ય સી.એલ. મીણા અને કમિટીના સિનિયર એડવોકેટ આર.સી. કોડેકરએ ઉપસ્થિત પ્રતિનિધિઓના મંતવ્યો જાણી જરૂરી ચર્ચાઓ કરી હતી.
સી. એલ. મીણાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જ જરૂરી છે જેના ભાગરૂપે આ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેથી સૌને તેમના અભિપ્રાય આપવા અનુરોધ કર્યો હતો. વધુમાં આગામી તા. ૧૫/૦૪/૨૦૨૫ સુધી રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે તેવું તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં મોરબીના પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, બાળકો સહિત મહિલા અધિકારો, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ પાસે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, સમાન નાગરિક સંહિતાએ કોઇ ધર્મ કે સમાજના રીતરિવાજો બદલવા માટે નથી. સમાન નાગરિક સંહિતા એ કાયદો વર્તમાન સમયની સાથે કેવી રીતે સંતુલન સાધી શકે તે માટેનો ઉમદા પ્રયાસ છે. સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરાશે. નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નીલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર નાયબ કલેકટર ઉમંગ પટેલ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, શિક્ષણવિદો, બાર એસોસિયેશનના પ્રતિનિધિઓ, ધારાશાસ્ત્રીઓ તેમજ સામાજિક કાર્યકરો સહિત જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.