સુત્રાપાડાના યુવક ચેતન બારડને ગીર-સોમનાથ જિલ્લા પ્રાંત અધિકારી દ્વારા તડીપારનો ઓર્ડર મળ્યો હતો ત્યાર બાદ ચેતન બારડ દ્વારા આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેમાં સુત્રાપાડાના યુવક ચેતન બારડને તડીપાર મામલે નામદાર હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. આ મામલે આગળની કાર્યવાહી હાઇકોર્ટ 19 માર્ચના રોજ નિયત કરી છે.સુત્રાપાડાના યુવક ચેતન દ્વારા છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકામાંથી આર.ટી.આઈ.ની માહિતી મેળવી અને નગરપાલિકા દ્વારા થતા ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે. ચેતનનો આરોપ છે જેના કારણે તેને તડીપાર કર્યો છે.
તારીખ 5/01/2020 ના રોજના ગીર સોમનાથ પ્રાંત અધિકારી દ્વારા સુત્રાપાડાના ચેતન બારડને તડીપાર માટે હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ચેતન બારડ જી.પી એક્ટ કલમ 56 ( ખ ) મુજબ કાર્યવાહી કરી ચેતન બારડને ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને કેન્દ્રશાસિત દીવમાં ૬ મહિના સુધી હદપારનો આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ સામે સુત્રાપાડાના ચેતન બારડ હાઈકોર્ટ પહોંચ્યા હતા. જે બાબતે આજે નામદાર હાઇકોર્ટ દ્વારા ચેતનના તડીપારના હુકમ સામે સ્ટે આપી આગળની કાર્યવાહી 19 માર્ચે નિયત કરી છે.