મોરબીના શનાળા નજીક રોજડુ આડુ ઉતરતા સ્લીપ થઈ ગયેલ બાઇક ચાલકનું મૃત્યુ
મોરબીના શનાળા ગામ નજીક મેડિકલ કોલેજ સામે બાઇક સવાર બે યુવકોના બાઇક આડે અચાનક રોજડુ ઉતરતા પુરઝડપે ચાલતા બાઇક ઉપર કાબુ ગુમાવતા સ્લીપ થઈ ગયેલ બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેસેલ યુવકને શરીરે ઇજાઓ પહોંચી હતી, હાલ મૃતક બાઇક ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ ગીર સોમનાથ જીલ્લાના ગાભા ગામના વતની હાલ રાજકોટ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ કરશનભાઇ દેવસીભાઈ વાઢેર ઉવ.૨૩ અને ચિરાગભાઈ ચીમનભાઈ સારીખડા ઉવ.૨૩ એમ બંને યુવકો ગઈ તા.૧૯ ફેબ્રુઆરીના રોજ જીતેન્દ્રભાઈનું સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૨-એન-૭૧૪૧ બાઇક લઈને મોરબીથી રાજકોટ જતા હોય તે દરમિયાન મોરબીના શનાળા ગામ નજીક મેડિકલ કોલેજ સામે રોડ ઉપર અચાનક બાઇક આડે રોજડુ ઉતરતા પુરપાટ ઝડપે ચલાવી જતા બાઇક ઉપર જીતેન્દ્રભાઈએ કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગયું અને અકસ્માત સર્જાયો હતો, જેથી બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે ૧૦૮ મારફત મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રીફર કરતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બંનેને દાખલ કર્યા હતા, જે બાદ બાઇક ચાલક જીતેન્દ્રભાઈને જૂનાગઢમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા.૨૨ ફેબ્રુઆરીના રોજ જીતેન્દ્રભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇકની પાછળની સીટમાં બેઠેલ ચિરાગભાઈને માથામાં અને શરીરે ઇજાઓની સારવાર ચાલુ હોય. હાલ મૃતકના પિતા કરશનભાઇ દેવસીભાઈ વાઢેરની ફરિયાદને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મૃતક જીતેન્દ્રભાઈ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
