ટંકારા:મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ૨૦૦મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે પુસ્તક વિક્રય કેન્દ્ર બન્યું લોકોના આકર્ષણનું કેન્દ્ર
સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષામાં વેદ પુરાણ અને ધાર્મિક પુસ્તકો તેમજ સાહિત્ય ઉપરાંત યજ્ઞાદિની સામગ્રીનું થઈ રહ્યુ છે વેચાણ
ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ટંકારા ખાતે ઉજવણીના સ્થળે વિવિધ આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. એ થકીનું એક આકર્ષણ એટલે પુસ્તક વિક્રય કેન્દ્ર કે, જ્યાં સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષામાં વેદ પુરાણ અને ધાર્મિક પુસ્તકો તેમજ સાહિત્ય ઉપરાંત યજ્ઞાદિની સામગ્રી સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. હસ્તકલાની આકર્ષક વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો, વસ્ત્રો વગેરેના સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે, દેશ-વિદેશથી પધારેલા મહેમાનો અને સ્થાનિક લોકો આ સ્ટોલ વગેરેની મુલાકાત લઇ પ્રભાવિત થઈ રહ્યા છે.
આ વિક્રય કેન્દ્રમાં ડીએવી પ્રકાશન વિભાગ, આર્ય સાહિત્ય પ્રચાર ટ્રસ્ટ, આર્ય પ્રતિનિધિ સભા, વાગ્ભટ્ટ આરોગ્ય એવમ સ્વદેશી કેન્દ્ર, મોહનલાલ વૈદિક પ્રકાશન, પ્રશાંત આયુર્વેદિક મેન્યુફેક્ચરર, અમર સ્વામી પ્રકાશન વિભાગ, દર્શન યોગ મહાવિદ્યાલય સાહિત્ય, જામનગર આર્ય સમાજ, બાબા હર્બલ પ્રોડક્ટસ, સુરત આર્ય સમાજ, રામલાલ કપૂર ટ્રસ્ટ , વાનપ્રસ્થ સાધક આશ્રમ,ડીએવી યુનિવર્સિટી પંજાબ અંતર્ગત વિવિધ સ્ટાર્ટઅપ પ્રોડક્ટસ, હસ્તકલા સેતુ અંતર્ગતનો સ્ટોર, વિજયકુમાર ગોવિંદ રામ હંસાનંદ સાહિત્ય ભવન ડીએવી ફાર્મસી, ઓમ આયુર્વેદિક કેર માતૃ કૃપા ફાર્મ વગેરે વિવિધ પ્રકાશન કેન્દ્રો દ્વારા પ્રકાશિત પુસ્તકો તેમજ યજ્ઞ અને અન્ય ધાર્મિક સામગ્રીનું આધ્યાત્મિક જનતા માટે વિક્રય કરવામાં આવી રહ્યું છે.
પુસ્તકો ઉપરાંત તાંબાના વાસણો, લઘુ હવન માટે વેદી, કપૂર, ધૂપ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ, સૌંદર્ય પ્રસાધનો, ગુલાબજળ અને ગુલકંદ, તાંબાના વાસણો, આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ્સ, ઇમિટેશન જ્વેલરી, ખાદ્ય સામગ્રી, આધ્યાત્મિક થીમ આધારીત ટીશર્ટ, ધજાઓ અને લાઈટ્સ, હસ્તકલાની વસ્તુઓ, કેલેન્ડર, ફોટો ફ્રેમ્સ, વિવિધ ઔષધીઓ પણ આ કેન્દ્રમાં ઉપલબ્ધ છે.