ભૂત કોટડા શાળાના શિક્ષક કલ્પેશ ધોરીને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
તા.5 મી સપ્ટેમ્બર,આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ તકે શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરતા ગુરુજનોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.
જેના ભાગરૂપે મોરબી ખાતે યોજાયેલ શિક્ષકદિનની ઉજવણીના કાર્યક્રમમાં ટંકારા તાલુકાની ભૂત કોટડા પ્રાથમિક શાળાના શિક્ષક કલ્પેશભાઈ ધોરીને ટંકારા તાલુકાના તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
હંમેશા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખરા દિલથી પોતાની જાતને કાર્યરત રાખતા તેમજ ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ દ્વારા તેમજ નાવિન્યપૂર્ણ કામગીરી દ્વારા સતત કાર્યરત રહેતા એવા કલ્પેશભાઈ ધોરી નું સન્માન અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
આ તકે બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, સી.આર.સી કૌશિકભાઈ ઢેઢી તેમજ તાલુકાના શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉપરાંત શાળાના આચાર્ય હસમુખભાઇ પરમાર તેમજ અન્ય સ્ટાફ મિત્રો દ્વારા કલ્પેશભાઈ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.