ભડીયાદ રોડ પર ઉછીના રૂપિયા આપવાની ના પાડતા વૃદ્ધ પર એક શખ્સનો છરી વડે હુમલો
મોરબી: મોરબી જિલ્લામાં જાણે પોલીસનો ખૌફ ખતમ થઈ ગયો હતો તેવું લાગી રહ્યું છે અવારનવાર છરી વડે હુમલાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મોરબીના ભડીયાદ રોડ ઉપર પાટીદાર કારખાના નજીક વૃદ્ધ પાસે એક શખ્સે હાથ ઉછીના રૂપિયા માંગતા રૂપિયા આપવાની ના પાડતાં વૃદ્ધ પર એક શખ્સે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે ભડિયાદ કાંટા સામે રહેતા અને ચોકીદાર કરતા દેવજીભાઈ છગનભાઇ પરમાર (ઉ.વ.૬૫) એ આરોપી પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા રહે. ભડીયાદ રામાપીરના ઢોરે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની ચોકીદારીની નોકરી પુરી કરી પગપાળા ચાલીને ઘર તરફ આવતા હતા ત્યારે આરોપી સામા મળતા આરોપીએ ફરીયાદી પાસે હાથ ઉછીના રૂપિયા માંગતા તે ફરીયાદીએ આપવાની ના પાડતા આરોપી પ્રભુભાઇએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરી ગાળો આપી છરી વડે ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.