ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ માટે 6 કેન્દ્રો બનાવ્યા હતા, જેમાંથી મુંબઈના કેન્દ્રમાંથી ખરાબ સમાચાર બહાર આવી રહ્યા છે. અગાઉ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડસમેન કોરોના વાયરસથી સંક્ર્મણ નોંધાયા હતાં અને હવે દિલ્હી કેપિટલ્સની ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલનો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હીની ટીમ પણ હાલમાં મુંબઈમાં છે. દિલ્હીની કેપિટલ્સને તેની પહેલી મેચ 10 એપ્રિલના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ સામે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમવાની છે. આ મેચ શરૂ થવા માટે હવે માત્ર સાત દિવસ બાકી છે. આવી સ્થિતિમાં અક્ષર પટેલનું કોરોના પોઝિટિવ નોંધાવવું એ બધા માટે ચિંતાનો વિષય બની ગયો છે. દિલ્હી કેપિટલ્સ કેમ્પ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર અક્ષર પટેલ કોરોના સંક્રમિત નોંધાયા છે. તેઓ આઇસોલેશનમાં છે અને તમામ પ્રોટોકોલોને અનુસરે છે. કોલકાતા નાઈટ રાઇડર્સના બેટ્સમેન નીતીશ રાણા પછી અક્ષર પટેલ બીજો ખેલાડી છે જે કોરોના વાયરસથી સંક્રમિત નોંધાયો છે. જો કે, 22 માર્ચે નીતીશ રાણા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને હવે તેનો રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાયું છે. બીસીસીઆઈએ ટૂર્નામેન્ટ માટે એસઓપી તૈયાર કરી છે, જે મુજબ કોવીડ -19 ટેસ્ટમાં પોઝિટિવ આવેલા ખેલાડીને ઓછામાં ઓછા 10 દિવસ માટે બાયો-સેફ્ફ એન્વાયરમેન્ટની બહાર ખાસ ક્ષેત્રમાં આઇસોલેશનમાં રાખવામાં આવશે. આવી સ્થિતિમાં અક્ષર પટેલ દિલ્હીની ટીમ માટે ઓછામાં ઓછી પહેલી મેચ રમી શકશે નહીં. દિલ્હી કેપિટલ્સ તેની બીજી મેચ 15 એપ્રિલે રમશે.