અત્યાર સુધી તમે ટીવી પર ફક્ત સ્ત્રી કે પુરુષ એન્કર જ જોયા હશે, પરંતુ હવે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં એક ટ્રાન્સજેન્ડર (કિન્નર) એન્કર બની છે. જ્યારે આ એન્કરે બાંગ્લાદેશની રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ પર સમાચાર વાંચવાનું શરૂ કર્યું, ત્યારે તેણે સંકુચિત વિચારધારાની દીવાલ તોડવાનું કામ કર્યું. ટ્રાન્સજેન્ડર તશ્રુવા આનન શિશીરે અન્ય એન્કરની જેમ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ન્યૂઝ બુલેટિન પૂર્ણ કર્યું. આ વાતથી સહકર્મીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, આ ખુશીને જોઇને એન્કરની આંખમાં પણ આસું આવી ગયા હતા. જણાવી દઈએ કે એક અનુમાનના આધારે બાંગ્લાદેશમાં અંદાજે 1.5 મિલિયન ટ્રાન્સજેન્ડર્સ રહે છે. આ લોકો ત્યાં વ્યાપક ભેદભાવ અને હિંસાનો સામનો કરે છે. આ સમુદાય પેટનો ખાડો પુરવા ભીખ માંગવી, લૈંગિક વેપાર કરવા અથવા ગુના કરવા માટે મજબૂર બને છે. તશ્રુવા આનન શિશીરે ખાનગી ચેનલ બોઈશાખી ટીવી પર ત્રણ મિનિટના ન્યૂઝ બુલેટિનથી એન્કરિંગની શરૂઆત કરી હતી જે તેમના માટે ખૂબ યાદગાર બન્યુ હતું. તેણે કહ્યું હતું કે કિશોરવયના વર્ષોમાં, તેને ખબર પડી કે તે એક કિન્નર છે. તેણે કહ્યું હતું કે તેની સાથે વર્ષો સુધી યૌનશોષણ થતું રહ્યું. તેમણે કહ્યું કે, તેમને એટલું ખરાબ લાગ્યું હતું કે ચાર વખત તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષો પહેલા તેના પિતાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તેણી હવે 29 વર્ષની થઈ ગઈ છે. તશ્રુવા આનન શિશીરે કહ્યું, “જ્યારે હું મારી ઓળખાણ સાથે સમાજનો સામનો કરી શકતી ન હતી ત્યારે મેં ઘર છોડી દીધું. ઘરેથી નીકળી અને રાજધાની ઢાકામાં એકલી રહેવા લાગી.”ત્યાં તેણે હોર્મોન થેરેપી પર કામ કર્યું અને પેટનો ખાડો પુરવા કામ કરવા લાગી. પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે, તેણે સિનેમાઘરોમાં પણ કામ કર્યું . જાન્યુઆરીમાં, તે ઢાકાની જેમ્સ પી. ગ્રાન્ટ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં જાહેર સ્વાસ્થ્યમાં સ્નાતક કરનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બની.વડા પ્રધાન શેખ હસીનાની સરકારે 2013 થી ટ્રાંસજેન્ડર લોકોને અલગ લિંગ તરીકે ઓળખણ આપવાની મંજૂરી આપી હતી.અને 2018 માં તેમને ત્રીજી જાતિ તરીકે મત આપવા માટે નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.