ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ભારતીય ક્રિકેટ બોર્ડના કેન્દ્રિય કરારમાં ટોચની કેટેગરીમાં છે. ગ્રેડ એ પ્લસના ખેલાડીઓને 7-7 કરોડની રકમ મળે છે. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ગ્રેડ એ માં સામેલ કરવામાં આવ્યો છે જેમાં પાંચ કરોડની આવક મળે છે. અગાઉ તે બી ગ્રેડમાં હતો. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ગ્રેડ એમાં કાયમ છે. શુબમન ગિલ અને મોહમ્મદ સિરાજને પહેલો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો જે ગ્રેડ સી છે અને તેની રકમ 1 કરોડ છે. શાર્દુલ ઠાકુર ગ્રેડ બી માં સામેલ થયો છે. કેટલાક ખેલાડીઓની સ્થિતિ ઘટાડવામાં આવી છે, જેમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ જેવા મોટા નામ સામેલ છે. એક સમયે, બંનેને ભારતના એકકા સમાન માનવામાં આવતા હતા, પરંતુ સમય જતાં તેના પ્રદર્શનમાં ઘટાડો થયો અને ટીમમાં કાયમી સ્થાન પણ ના બચ્યું. ગયા વર્ષે કુલદીપ યાદવને એ કેટેગરીમાં સ્થાન મળ્યું હતું, પરંતુ આ વખતે તે સીધો સી ગ્રેડમાં આવ્યો છે. બીજી તરફ, ચહલને ગયા વર્ષે બીસીસીઆઈ દ્વારા બી ગ્રેડનો કરાર આપવામાં આવ્યો હતો. આ વર્ષે તેને સી ગ્રેડમાં મૂકવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળશે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ગ્રેડ એમાંથી બીમાં ખસેડવામાં આવ્યો છે જેમાં 3 કરોડ રૂપિયા મળે છે. ભુવનેશ્વર ઈજાને કારણે લાંબા સમયથી બહાર હતો. ગયા વર્ષે 27 ખેલાડીઓની તુલનામાં આ વખતે 28 ક્રિકેટરો સેન્ટ્રલ કરારનો ભાગ છે.
ક્યાં ગ્રેડમાં કોણ છે સામેલ જાણો.
ગ્રેડ-એ પ્લસ (07 કરોડ): વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ
ગ્રેડ-એ (05 કરોડ): આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શિખર ધવન, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, રિષભ પંત, હાર્દિક પંડ્યા.
ગ્રેડ-બી (03 કરોડ): રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર, શાર્દુલ ઠાકુર અને મયંક અગ્રવાલ.
ગ્રેડ-સી (01 કરોડ): કુલદીપ યાદવ, નવદીપ સૈની, દીપક ચાહર, શુબમન ગિલ, હનુમા વિહારી, અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ.