તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલને ટીવીની દુનિયાની સૌથી શિષ્ટ અને હાસ્ય સિરિયલોમાંની એક માનવામાં આવે છે આ સીરિયલના દરેક પાત્રને શોની અંદર અને પર્સનલ લાઇફમાં પણ તેમને લોકો તરફથી ખૂબ માન અને પ્રેમ મળે છે. પરંતુ તાજેતરમાં જ શોમાં બબીતાની ભૂમિકા ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તાએ કંઈક એવું કહ્યું છે કે જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા છે અને તેની ધરપકડની માંગ પણ કરી છે. મુદ્દો એટલી વધી ગયો છે કે #ArrestMunmunDutta સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ચાલો જાણીએ કે આખો મામલો શું છે.
વાસ્તવમાં મુનમુન દત્તાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે વાતચીત કરી રહી છે. મુનમુન દત્તાએ તાજેતરમાં જ પોતાના એક વીડિયોમાં જાતિગત આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વિડીયો અંગે અનેક લોકો રોષે ભરાયા હતા. મુનમુન દત્તાને પોતાની ભૂલ ધ્યાનમાં આવતા તેણે આ વીડિયો સો.મીડિયામાંથી ડિલીટ કરી નાખ્યો છે અને યુ ટ્યૂબમાં એડિટ કરી નાખ્યો છે. જોકે, છતાં લોકોનો આક્રોશ શાંત થયો નહોતો.ત્યારબાદ મુનમુને માફી માંગી હતી. અને મુનમુને સો.મીડિયામાં નિવેદન જાહેર કર્યું હતું. મુનમુને કહ્યું હતું, આ એક વીડિયોના સંદર્ભમાં છે. આ વીડિયો મેં ગઈ કાલે પોસ્ટ કર્યો હતો. અહીંયા મારા દ્વારા ઉપયોગમાં લેવાયેલા એક શબ્દનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે. આ અપમાન, ધમકી કે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદા સાથે કહેવામાં આવ્યો નથી. મારી ભાષાની નાસમજને કારણે, મને શબ્દના સાચા અર્થની ખોટી માહિતી હતી. જ્યારે મને સાચો અર્થ કહેવામાં આવ્યો, ત્યારે મેં તે ભાગ એડિટ કરી દીધો છે. વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, હું દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિને ઘણું જ સન્માન આપું છે. સમાજ કે રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને સ્વીકારું છું. મારા શબ્દના ઉપયોગને કારણે અજાણતા જેમની લાગણી દુભાઈ છે, તે તમામની હું ઈમાનદારીથી માફી માગું છું. મને તેના માટે અફસોસ છે.
