મોરબીમાં આવાસ યોજનાના કામમાં રૂકાવટ કરનાર પાલિકાના અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસની માંગ
મોરબી: મોરબી શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના કામની મુદતમાં વારંવાર વધારો આપીને ૧૧ વર્ષ સુધી કામ પૂર્ણ ન કરવા દેનારા પાલીકાના અધિકારી અને જે તે સમયના પદાધિકારીઓ સામે ફરજમાં બેદરકારીનો ગુનો દાખલ કરવા આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે રાજય સરકાર દ્વારા મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારોને ઘર મળે તે માટે થઈને ગામોગામ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવી રહયા છે. તેવી જ રીતે મોરબી નગરપાલીકા વિસ્તારમાં વર્ષ-૨૦૧૩ માં કુલ ૧૦૦૮ મકાનો બનાવવા માટે અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને કોન્ટ્રકટ આપવામાં આવ્યો હતો અને મોરબીના લીલાપર રોડ ઉપર જે તે સમયે ૪૦૦ મકાનો બનાવવામાં આવ્યા છે.
જેમાં આજની તારીખે પણ મોટા ભાગના મકાનો ખાલી પડયા છે અને બાકીના ૬૦૮ મકાન મોરબીના બાયપાસ રોડ ઉપર સર્વે નં-૧૪૧૫ માં બનાવવા માટેનું કામ કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહયું છે. જો કે વર્ષ-૨૦૧૩ માં ૧૧ મહિનાની મુદત સાથે આ મકાન બનાવવા માટેનો વર્કઓર્ડર કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો હતો. પરંતુ આજે વર્ષ-૨૦૨૪ સુધી તે મકાનનું કામ પૂર્ણ થયેલ નથી અને આ બેદરકાર કોન્ટ્રાકટરની સામે આકરા પગલા લઈને તેને બ્લેકલિસ્ટ કરવાના બદલે મોરબી નગરપાલીકાના અધિકારી અને જે તે સમયના પદાધિકારીઓ દ્વારા વારંવાર કોન્ટ્રાક્ટરને મુદત વધારો આપવામાં આવ્યો. જેના કારણે આ મકાનનું કામ પૂર્ણ થયેલ નથી અને લોકોને તેમના ઘર મળ્યા નથી.
ત્યારે ૧૧ વર્ષથી પોતાની ફરજમાં બેદરકારી દાખવનારા મોરબી નગરપાલીકાના અધિકારી અને જે તે સમયના પદાધિકારી સામે ફરજમાં બેદરકારીનો રાજકોટ મહાનગરપાલીકામાં જે રીતે અધિકારીઓ સામે ગુનો દાખલ થયો તેવો જ ગુનો દાખલ કરીને સમગ્ર ગુજરાતની અંદર નમુનારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે કરી છે.