હવે દિલ્હીનું પોતાનું એક સ્કૂલ બોર્ડ ઓફ એજ્યુકેશન હશે. ગયા વર્ષે દિલ્હીમાં ચુકાદો આપતા આમ આદમી પાર્ટીએ રાજ્ય શિક્ષણ બોર્ડની રચના અને અભ્યાસક્રમ સુધારણા માટે એક યોજના અને માળખું ઘડવા માટે બે સમિતિઓની રચના કરી હતી.આ અંગે ચર્ચા કર્યા પછી, દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં શનિવારે દિલ્હી બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનને મંજૂરી આપવામાં આવી છે. તેની જાહેરાત ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી છે. અરવિંદ કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે આજે અમે કેબિનેટમાં દિલ્હી શિક્ષણ બોર્ડને મંજૂરી આપી છે. આ સાથે હવે દિલ્હી પાસે શિક્ષણ માટેનું પોતાનું બોર્ડ હશે. અત્યાર સુધી દિલ્હી પાસે પોતાનું શિક્ષણ બોર્ડ નહોતું. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે અમે શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરી છે. શિક્ષણ પરના કુલ બજેટનો 25 ટકા હિસ્સો શિક્ષણ માટે રાખવામાં આવ્યો છે. શાળાઓમાં શિક્ષણમાં સુધારો કરવામાં આવ્યો છે.આજે અમારી શાળાઓના બાળકોના પરીક્ષાનું પરિણામ 98 ટકા સુધી આવી રહ્યું છે. હવે આગળનું પગલું ભરવાનો સમય આવી ગયો છે. અમારા બાળકોદરેક ક્ષેત્ર માટે તૈયાર થાય એવું શિક્ષણ આપવાનો સમય આવી ગયો છે. અમારું શિક્ષણ મંડળ એવી શિક્ષણ પ્રણાલી બનાવશે કે જ્યારે બાળક શાળામાંથી બહાર આવે ત્યારે તેને રોજગારી મેળવવા માટે ભટકવું ન પડે. ગોખણીયા જ્ઞાનની બદલે સમજણ પૂર્વકનું જ્ઞાન મળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. બોર્ડમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની વિશેષતાનો સમાવેશ કરવામાં આવશે. 21-22માં, 20 થી 25 સરકારી શાળાઓ આ બોર્ડ સાથે જોડવામાં આવશે. 4 થી 5 વર્ષમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ આ બોર્ડમાં જોડાશે. ગયા વર્ષે, દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદીયાએ કહ્યું હતું કે અન્ય રાજ્ય બોર્ડમાં, એવું બને છે કે ખાનગી શાળાઓમાં સીબીએસઇ, આઈસીએસઈ અથવા રાજ્ય બોર્ડમાંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ હોય છે, જ્યારે સરકારી શાળાઓમાં રાજ્ય બોર્ડનો અભ્યાસક્રમ લાગુ પડે છે. પરંતુ અહીં તે સરકારી અને ખાનગી શાળાઓ બંને માટે વૈકલ્પિક રહેશે. અમે બોર્ડને ઉપયોગી અને સમૃદ્ધ બનાવવા માંગીએ છીએ.