દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબૂ બની ગઈ છે. દરરોજ બે લાખથી વધુ નવા દર્દીઓ મળી રહ્યા છે. જેમ જેમ કોરોના સંક્રમણનો રાફડો વધતો ગયો તેમ તેમ દેશની હોસ્પિટલોની હાલત કથળતી ગઈ. દેશમાં વેન્ટિલેટર, રેમડેસિવિર અને ઓક્સિજનની અછત વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે કુંભ મેળા અંગે મૌન તોડ્યું છે. વડા પ્રધાન મોદીએ આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરી સાથે ફોન પર વાત કરી કુંભ મેળાને સમાપ્ત કરવા અપીલ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પીએમ મોદીએ સંતોને કુંભ મેળાને સમાપ્ત કરવા અપીલ કરી હતી. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું હતુ કે, “મેં પ્રાર્થના કરી છે કે બે શાહી સ્નાન થયા છે અને હવે કુંભને કોરોના સંકટને કારણે પ્રતીકાત્મક રાખવું જોઈએ.” તેનાથી આ કટોકટી સામેની લડતને શક્તિ મળશે. ‘ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ જુના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ લોકોને અપીલ કરી હતી કે કુંભ સ્નાન માટે વિશાળ જનમેદની એકઠી ન થાય. સ્વામી અવધેશાનંદ ગિરીએ અપીલ કરી હતી અને કહ્યું હતું કે આપણે માનનીય વડા પ્રધાનના આહવાનનું સન્માન કરીએ છીએ! જીવન બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારો ધર્મ પરાયણ લોકોને આગ્રહ છે કે આ કોવિડ મહામારીના સંજોગોને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યા માં સ્નાન માટે ન આવે અને નિયમનું પાલન કરે. કોરોનાના વધતા જતા કેસોને જોતા નિરંજની અખાડાએ 15 દિવસ અગાઉ જ કુંભ મેળો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. આ અખાડાના 17 સંતો સંક્રમિત થયા છે. અખાડાના સેક્રેટરી રવિન્દ્ર પુરી પોતે સંક્રમિત છે. અત્યાર સુધીમાં, કુંભ મેળામાં સામેલ 70 થી વધુ સંતો કોરોના સંક્રમિત નોંધાયા છે. મોટી સંખ્યામાં સંતોનું કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે. બે દિવસ પહેલા અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અઘાડાના મહામંડલેશ્વર કપિલ દેવદાસ (65 વર્ષ) નું પણ અવસાન થયું હતું.