ઉપલેટા રસીકરણ કેન્દ્ર પરથી મૃત વ્યક્તિના નામે કોરોના રસી અપાઈ હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો જે બાદ ઉચ્ચ તંત્રને આ બાબતની જાણ થતાં તંત્ર દ્વારા તપાસના આદેશ દેવાયા છે જેને લઈને ઉપલેટા સુરજ વાળી ખાતે ચાલતા રસીકરણ કેન્દ્ર પર રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી ઉપલેટા તપાસ અર્થે આવ્યા છે અને આ બાબતની તપાસ ચલાવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરોગ્ય વિભાગની બેદરકારી કે કૌભાંડ અંગેનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉપલેટામાં રહેતા 55 વર્ષના વૃદ્ધ હરદાસભાઈ દેવાયતભાઈ કરંગીયાનું 2018માં અવસાન થયું હતું. પરંતુ તેના નામે જ કોરોનાનો પ્રથમ ડોઝ લીધાનો મેસેજ ફોનમાં આવતા તેમાંથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પરિવારે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.હરદાસભાઈનું 20 ઓગસ્ટ 2018માં અવસાન થયું હતું. પરંતુ ઉપલેટાના સુરજવાડી ખાતે ચાલતા વેક્સિનેશન કેન્દ્ર પર તેના નામે કોઇએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાવ્યાનું સિર્ટિફિકેટ ઘરે આવતા પરિવાર પણ આશ્ચર્યચકિત બની ગયો છે. પરિવારના સદસ્યોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, અમારા સ્વજનનું અવસાન તો ત્રણ વર્ષ પહેલા થઈ ગયું છે. છતાં કંઇ રીતે આ વેક્સિન અપાય છે. અમારા સ્વજનના નામની વેક્સિન કોઇને આપવામાં આવી કે પછી તેમાં પણ કાળાબજારી થઇ છે. આ ગંભીર બેદરકારી પાછળ જવાબદાર કોણ? આ અંગે ઊંડાણપૂર્વ તપાસ કરવા પરિવારે માંગ કરી છે.
બીજી બાજુ બ્લેક ફંગસના ઈન્જેકશનની કાળા બજારી થઇ.રાજકોટમાં 300નું એમ્ફોટેરિસિન ઇન્જેક્શન 4500માં વેચતા ડોક્ટર, નર્સ સહિત 7 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કોરોનાની સારવારમાં સૌપ્રથમવાર એન્ટીબોડી કોકટેલનો ઉપયોગ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે. એક દર્દી પર થયેલા એન્ટીબોડી કોકટેલ સફળતાપૂર્વક ઉપયોગ થયો હોવાનું ગોકુલ હોસ્પિટલના તબીબો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. એન્ટીબોડી કોકટેલની એક ડોઝની કિંમત 1 લાખ હોય છે. કોકટેલ અમેરિકાની બાયો ટેકનોલોજી કંપનીએ બનાવેલું એન્ટીબોડી છે જે ભારતમાં સિપ્લા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા આ કોકટેલ રોશ ફાર્માસ્યુટિકલ કંપની અમેરીકા સાથે ભાગીદારી કરીને વિતરણ કરી રહી છે.
કેટલીક હોટેલ અને રિસોર્ટ તેમના પેકેજ સાથે કોરોના વેક્સિનેશનની સુવિધા ઓફર કરી રહી છે, જેને કારણે વહીવટી મુશ્કેલી સર્જાય તેમ હોવાથી કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને તાકીદ કરી છે કે, વેક્સિનેશન સાથેના પેકેજની હોટેલ કે રિસોર્ટ ઓફર કરી શકશે નહીં. આમ છતાં જો કોઈ હોટલ કે રિસોર્ટ આવી ઓફર કરે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે. જોકે ગુજરાતમાં આવી ઓફર કોઈ હોટેલ કરતી હોય તેવું આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવ્યું નથી તેમ આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું હતું.