ટીવીનો લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ ૧૨’ના તાજેતરના એપિસોડમાં કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ એપિસોડમાં અમિત કુમાર ખાસ મહેમાન તરીકે પહોચ્યા હતા. જજો અને સ્પર્ધકોએ કિશોર કુમારને 100 ગીતો ગાઈને શ્રદ્ધાંજલિ આપી હતી, પરંતુ જનતા આ એપિસોડને પચાવી શકી ન હતી. કેટલાક યુઝર્સે શોના જજને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. હવે તાજેતરમાં અમિત કુમારે કહ્યું હતું કે તે માત્ર સ્પર્ધકની પ્રશંસા કરવા અને ખાસ મહેમાન બનીને પૈસા માટે શોમાં ગયા હતા. આ એપિસોડમાં તેને પોતે પણ કંઈ ખાસ મજા આવી ન હતી. એક ખાનગી સમાચાર એજન્સી સાથે વાત કરતાં અમિત કુમારે કહ્યું કે, “હું સારી રીતે જાણું છું કે લોકો આ એપિસોડ વિશે સારું અને ખરાબ કહી રહ્યા છે. સાથે જ જણાવ્યુ હતું કે તેમને સ્પર્ધકોની પ્રશંસા કરવાનું કહેવામાં આવ્યું હતું, પછી ભલે તેઓ ગમે તે રીતે ગાતા હોય. આ સાથે જ, તેઓએ આ એપિસોડમાં જોડાવા માટે સમંતી દર્શાવી હતી તે પૈસા માટે દર્શાવી હતી. અમિત કુમારે કહ્યું હતું કે મને જે કહેવામાં આવ્યું હતું તે મેં કર્યું. મને બધાના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેઓ જેવુ ગાય છે તેના વખાણ જ કરવાના છે, કારણ કે તે કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છે. મને લાગ્યું કે પિતા ખુશ થશે, પરંતુ એવું થયું નહીં. મને જે કરવાનું કહેવામાં આવ્યું હતું તે જ મેં કર્યું. મેં અગાઉથી સ્ક્રિપ્ટ પણ માંગી હતી પરંતુ, મને પૂરી પાડવામાં આવી ન હતી. અમિત કુમારે કહ્યું હતું કે દરેકને પૈસાની જરૂર છે. મારા પિતા પણ પૈસા પાછળ ઘણા કામો કરતા હતા. મેં જે પૈસા માંગ્યા હતા તેમાંથી તેઓએ મને તે આપ્યા, હું શા માટે એને છોડુ, પણ ઠીક છે. મને શો પ્રત્યે સંપૂર્ણ આદર છે, તેમજ જજ અને સ્પર્ધકો પણ સારા છે. આ એક એવિ વસ્તુ હતી જે એક વાર કરવાની હતી અને તે કરી નાખી.