અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 6 જાન્યુઆરીએ કેપિટલ ઇમારત પર થયેલા હુમલા બાદ ટ્વિટર, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ટ્રમ્પ પોતાનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. અહેવાલ છે કે ટ્રમ્પ આગામી ત્રણ મહિનામાં સોશિયલ મીડિયા પર દેખાવાનું શરૂ કરશે. ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે રાજધાની વોશિંગ્ટનમાં થયેલા હંગામા અને હિંસા બાદ ટ્રમ્પ પર તમામ સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ટ્રમ્પના પ્રતિબંધની શરૂઆત ગૂગલે અને એપલે તેમના એપ સ્ટોરથી કરી હતી. ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને સ્નેપચેટએ પણ પ્રતિબંધ મૂક્યો હતોઆ પછી, ફેસબુક અને ટ્વિટર પછી યુટ્યુબએ પણ તેના પ્લેટફોર્મ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અપલોડ કરેલી નવી વિડિઓ સામગ્રીને દૂર કરી હતી. આ ઉપરાંત સેવાની શરતોના ઉલ્લંઘનના આરોપમાં ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલને સસ્પેન્ડ કરવામાં આવી હતી. સ્નેપચેટે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અમે લોકોના હિતની કાળજી રાખીને અમારા પ્લેટફોર્મ પર કાયમ માટે ડોનાલ્ડ ટ્રમ્પને સસ્પેન્ડ કર્યા છે. તેના એકાઉન્ટમાંથી અવારનવાર ખોટી માહિતી, ભડકાઉ ભાષણો જેવી પોસ્ટ મુકવામાં આવતી હતી. યુટ્યુબએ નિવેદનમાં કહ્યું હતું કે,” ટ્રમ્પે એક વિડિઓ અપલોડ કરી છે જે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતી હતી જેના પગલે તેમની ચેનલ પર ઓટોમેટિક સ્ટ્રાઇક આવી હતી. પ્રથમ સ્ટ્રાઇક ઓછામાં ઓછા સાત દિવસની હોય છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પ આગામી સાત દિવસ સુધી તેમની ચેનલ પર કોઈ વિડિઓ અપલોડ કરી શકશે નહીં.” આ પછી, કંપનીએ ટ્રમ્પના એકાઉન્ટને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કરી દીધું હતું.