વાવાઝોડા તૌક્તે બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડા યાસનો સામનો કરવા માટે સરકાર અને સેના સંપૂર્ણ પણે સજ્જ થઈ ગઈ છે. એક તરફ ગૃહ મંત્રાલય તેની દેખરેખ રાખી રહ્યું છે જ્યારે નૌકાદળના ચાર યુદ્ધ જહાજો અને હેલિકોપ્ટરો, જ્યારે એરફોર્સના 11 કાર્ગો એરક્રાફ્ટ અને ચીતા, ચેતક અને એમઆઈ-17 જેવા 25 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યું હતું કે, 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂકાવવાની સાથે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે 26 મેની સાંજે 185 કિમી પ્રતિ કલાકની ઝડપે ટકરાવાની સંભાવના છે. આના કારણે બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં લો પ્રેશર વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, “ગંભીર ચક્રવાતી તોફાન” આગામી 24 કલાકમાં ચક્રવાત યાસ વાવાઝોડામાં બદલાઈ શકે છે.
ચક્રવાત યાસ અંગે ગૃહમંત્રી શાહની બેઠક
વાવાઝોડા યાસને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને સેનાના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ અધિકારીઓ સાથે વાત કરી
બીજી તરફ પ્રધાનમંત્રીએ જોખમી વિસ્તારોના લોકોને સલામત સ્થળે મોકલવા જણાવ્યું છે. પ્રધાનમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને રાજ્યો સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે. તેમણે તમામ વિભાગોને પાવર અને ટેલિકોમ નેટવર્ક કાપ નો સમય ઘટાડવા અને વીજળી અને ટેલિકોમ નેટવર્કને ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો.
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને અંદમાન અને નિકોબાર હાઈ એલર્ટ પર છે. અંદમાન અને નિકોબારના પૂર્વ કિનારાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ત્યાર બાદ ખતરામાં વધારો થવાની આશંકા પણ છે. યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્યો કમર કસી રહ્યા છે. ઓડિશામાં એનડીઆરએફની 22 ટીમો, ફાયર બ્રિગેડની 177 ટીમો સાથે ઓડીઆરઆરએફની લગભગ 66 ટીમો તૈનાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને નૌકાદળ, વાયુસેના અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડ ઉપરાંત જિલ્લાની રાહત ટીમ, લાઇફબોય અને લાઇફ જેકેટ ઉપરાંત ડોકટરોની ટીમને પણ સ્ટેન્ડબાય પર મૂકવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં દરિયાકાંઠાના રાજ્યોમાં માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. તેમને દરિયાકિનારાથી દૂર રહેવા પણ કહેવામાં આવ્યું છે.
કેન્દ્રએ યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા પણ જારી કરી છે. તદનુસાર, રાજ્યોને ઇમરજન્સી કમાન્ડ સિસ્ટમ અને ઓપરેશન સેન્ટર અને કન્ટ્રોલ રૂમને સંપૂર્ણપણે એક્ટિવ મોડમાં લાવવાનું કહેવામાં આવ્યું છે. તેમજ જે વિસ્તારો તોફાનના માર્ગે આવવાના છે તે વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોના દર્દીઓ અને સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળ પર લઈ જવાની તૈયારી કરવા અને તેના માટે મેનેજમેન્ટ પ્લાન શરૂ કરવા કહેવામા આવ્યું છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને રાજ્યોને મોનિટરિંગ યુનિટ સ્થાપવા અને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોથી બચવા માટે પણ તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. રાજ્યોને દવાઓનો સ્ટોક રાખવા માટે માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.