દેશભરમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બિહારની રાજધાની પટનામાં વ્હાઈટ ફંગસના 4 કેસ નોંધાયા છે. તે બ્લેક ફંગસ કરતા વધુ ઘાતક હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધી બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસ સામે દર્દીઓ લડી રહયા હતા, આની સાથે હવે એક નવા સંક્રમિત રોગે પગપેસારો કર્યો છે. હવે વ્હાઈટ ફંગસ (White Fungus) ના દર્દીઓ મળી આવતા હાહાકાર મચ્યો છે. પટનામાં આ રોગથી સંક્રમિત 4 દર્દીઓ મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. ‘વ્હાઈટ ફંગસ’નો આ રોગ બ્લેક ફંગસ કરતા પણ વધુ ઘાતક અને ઝડપી સંક્રમણ ફેલાવી શકે તેવો છે. ઉલ્લેખનીય છે કે વ્હાઈટ ફંગસ દ્વારા ફેફસાંમાં જે સંક્રમણ ફેલાય છે, તે કોરોનાના રોગમાં થતા સક્રમણ જેવું જ દેખાય છે. વ્હાઈટ ફંગસથી પણ કોરોનાની જેમ ફેફસા સંક્રમિત થાય છે. ફેફસા ઉપરાંત સ્કિન, નખ, મોઢાના અંદરના ભાગ, પેટ અને આંતરડા, કિડની, ગુપ્તાંગ અને બ્રેન વગેરેને પણ તે રોગ સંક્રમિત કરી શકે છે. બેલ્ક ફંગસ જેવી રીતે સંક્રમણ ફેલાવે છે, તેવીજ રીતે વ્હાઈટ ફંગસ પણ માનવ શરીર પર હુમલો કરે છે. કોઈપણ વ્યક્તિની રોગપ્રતિકારક શકિત ઓછી હોય અથવા તો જે વ્યક્તિ ડાયાબિટીસ, એન્ટિબાયોટિક તથા સ્ટેરોઇડનું સેવન કરતા હોય તો તે આ રોગથી સંક્રમિત થઈ શકે છે. મોટાભાગે કેન્સર પીડિત દર્દીઓમાં આ રોગનું જોખમ વધારે જોવા મળી રહ્યું છે. પટનામાં અત્યાર સુધીમાં વ્હાઈટ ફંગસના ચાર દર્દીઓ નોંધાયા છે. PMHCમાં માઈક્રોબાયોલોજી વિભાગનાં હેડ ડૉ. એસએન સિંહનાં જણાવ્યા અનુસાર, ચાર દર્દીઓમાં કોવિડ-19 જેવા લક્ષણો હતા. આ દર્દીઓ કોરોનાથી નહીં પરંતુ વ્હાઈટ ફંગસથી સંક્રમિત થયા હતા. દર્દીઓમાં કોરોનાના ત્રણેય ટેસ્ટ રેપિડ એન્ટીજન, રેપિડ એન્ટીબોડી અને આરટી-પીસીઆર નેગેટિવ આવ્યા હતા. તપાસ થતા ફક્ત એન્ટી ફંગલ દવાઓથી તેઓ સાજા થઈ ગયા. નોંધનીય છે કે બુધવારે પટનામાં બ્લેક ફંગસનાં 19 દર્દીઓ સામે આવ્યા હતા.એમ્સમાં 8, IGIMSમાં 9 દર્દીઓ દાખલ કરાયા છે. IGIMSમાં બુધવારે 2 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. અહીંયા અત્યારસુધી સાત દર્દીઓની સર્જરી થઈ ચૂકી છે, જ્યારે પાંચ દર્દીની સર્જરી બાકી છે.