બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાથી ફરી એકવાર ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતા રિશીકપૂર બાદ હવે તેમના નાના ભાઈ રાજીવ કપૂરનું નિધન થયું છે. 58 વર્ષીય રાજીવ કપૂરનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હતું. રિશી કપૂરની પત્ની નીતુ કપૂરે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમના નિધનથી તેમના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. રીશી કપૂર બાદ રાજીવ કપૂરનું મોત કપૂર પરિવાર માટે મોટો આંચકો સાબિત થયો છે. અભિનેતા રાજીવ કપૂરને મંગળવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમના મોટા ભાઇ રણધીર કપૂરે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડયા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. હોસ્પિટલના તબીબોએ રાજીવ કપૂરને મૃત જાહેર કર્યા. તમને જણાવી દઈએ કે રાજીવ કપૂરને તેમની સુપરહિટ ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ માટે આજે પણ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં તેના અભિનયને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી મંદાકિનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે ‘એક જાન હૈ હમ’, 1984 ની ફિલ્મ ‘આકાશ’, ‘લવર બોય’, ‘જબરદસ્ત’ અને ‘હમ તો ચલે પરદેસ’ માં પણ કામ કર્યું હતું. છેલ્લી વખત 1990 માં તે જિમ્મેદાર ફિલ્મમાં જોવા મલ્યા હતા. અભિનય કર્યા પછી, તેણે નિર્માતા અને દિગ્દર્શક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે 2001 માં રાજીવ કપૂરે આર્કિટેક્ટ આરતી સભરવાલ સાથે લગ્ન કર્યા હતા.