મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ટર્મિનલ એક ગેટ પર આગ ભભૂકી ઉઠી હતી. હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે. મળતી માહિતી અનુસાર એનડીઆરએફની ટીમ પણ પુણે જવા રવાના થઈ છે. જણાવી દઈએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોરોના વાયરસની રસી કોવશિલ્ડ બનાવે છે. ભારત સહિત અનેક દેશોમાં તેની સપ્લાય કરવામાં આવી રહી છે.પુનાના મંજરીમાં આવેલા એસઆઈઆઈના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. 300 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં મોટા પાયે કોરોના વેકસીન કોવિશિલ્ડનું ઉત્પાદન કરવાની યોજના ઘડાઈ છે. ગયા વર્ષે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન દ્વારા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. જો કે પ્લાન્ટ દ્વારા હજી સુધી રસીનું ઉત્પાદન શરૂ થયું નથી. બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પૂણે મ્યુનિસિપલ કમિશનર સાથે આ અંગે વાતચીત કરી રહ્યા છે અને આગના કારણ અંગેની પણ તપાસ કરવામાં આવશે.તેમણે રાજ્ય તંત્રને આ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. હાલ આ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.