સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ગુરુવારે અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી સામે કથિત ભ્રષ્ટાચારનો એક નવો કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ કોલકાતાના સાલ્ટ લેક વિસ્તારમાં કેન્દ્રીય વિદ્યાલયની બાઉન્ડ્રી વોલના નિર્માણના કરાર સાથે સંબંધિત પરિવારવાદ અને ભ્રષ્ટાચારને લઈને તેમની સામે કેસ નોંધ્યો છે. સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “સીબીઆઈએ 2005-06માં રાજ્યમાં બાંધકામના કામમાં ગેરરીતિબદલ તુકી અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. તુકી પીડબ્લ્યુડી અને શહેરી વિકાસ મંત્રી હતા.”‘
આ પહેલા જુલાઈ 2019માં સીબીઆઈએ નબામ તુકી અને તેના ભાઈ નબામ ટૈગમ સામે કેસ નોંધ્યો હતો. તેમના પર આરોપ હતો કે તેમણે 2003માં નિયમોનું પાલન કર્યા વિના ખોટા લાભ માટે તેમના ભાઈને 3.20 કરોડ રૂપિયાનો સરકારી પ્રોજેક્ટ પૂરો પાડ્યો હતો. 2017માં સીબીઆઈએ તુકી સામેના આરોપોની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આરોપ છે કે તેમણે ૨૦૦૫ માં તે મંત્રી પદ પર હતા તે દરમિયાન તેમના પરિવાર અને સંબંધીઓને વ્યક્તિગત લાભ માટે ૧૧ સરકારી કરારો એનાયત કર્યા હતા. તુકીએ નવેમ્બર ૨૦૧૧ થી જાન્યુઆરી ૨૦૧૬ સુધી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.