જુની પેન્શન યોજના બુઢ્ઢાપા ની લાઠી સમાન છે એ હક્ક અમને મળવો જોઇએ એ હુંકાર સાથે સરકારે દાખલ કરેલી નવી પેન્શન યોજના સામે વિરોધ વ્યક્ત કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાક સમયથી મોટાભાગના સરકારી કર્મચારીઓ જુદી જુદી રીતે સરકાર સામે લડત ચાલવી રહ્યા છે. આમ છતાં તેમની માંગ ન સંતોષાતા તમામ સરકારી કર્મીઓ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સરકારી કર્મચારી મંડળના નેતૃત્વમાં એક મંચ હેઠળ આવીને એકીસાથે સરકાર સામે બાથ ભીડી છે. જેમાં આજે મોરબીના સરદાર બાગ ખાતે મોટાભાગના સરકારી કર્મચારીઓએ પ્રતીક ધરણા પ્રદર્શન કરીને ત્યાંથી જિલ્લા સેવાસદન સુધી રેલી કાઢી કલેકટરને આવેદન આપી બુઢાપાની લાઠી સમાન જૂની પેન્શન યોજનાને ચાલુ કરવા ઉગ્ર માંગ કરી હતી.
મોરબીના સરદાર બાગ ખાતે આજે બપોરે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સરકારી કર્મચારી મંડળના નેતૃત્વમાં પ્રાથમિક, માધ્યમિક વિભાગના તમામ શિક્ષકો, રેવન્યુ-મહેસુલી, વનરક્ષક, આરોગ્ય સહિતના મોટાભાગના સરકારી કર્મીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને સરકારની નવી પેન્શન યોજનાનો વિરોધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ કરી હતી. સરકારી કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સરકારી કર્મીઓ માટે જૂની પેન્શન યોજના બુઢાપાની લાઠી સમાન છે. એ હક્ક અમને મળવો જ જોઈએ, જો કે રાજસ્થાન સરકારે આ જૂની પેન્શન યોજના દાખલ કરી દીધી તો ગુજરાતમાં કેમ નહિ ?
સરકારી કર્મીઓએ વધુમાં જણાવ્યું હતું કે, અલગ અલગ રીતે અગાઉ લડત ચલાવતા હતા. પણ બધાની માંગણી એક જ હોવાથી એક જ છત્ર નીચે આવીને અમારી માંગણી સરકાર સુધી પહોચાડવા માટે એક જ સંગઠન હેઠળ લડત શરૂ કરી છે. આજે મોરબી સરદાર બાગ પાસે એકઠા થયેલા તમામ સરકારી કર્મીઓએ વિવિધ બેનરો પ્રદર્શિત કરી સુભાષચંદ્ર બોઝ સહિતના મહાપુરુષોની પ્રતિમાને હારતોરા કરી ત્યાંથી રેલી કાઢી હતી અને આ રેલી મુખ્યમાર્ગો ઉપરથી ફરીને સામાકાંઠે જિલ્લા સેવાસદને પહોંચી ત્યાં કલેકટરને આવેદનપત્ર આપી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ કરી હતી.