મોરબી : આજે તા. 28ના રોજ મોરબીના નવયુગ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 6થી 9 ના વિદ્યાર્થીઓએ અવનવી કૃતિઓ રજૂ કરી હતી.
આજે તા. 28 ફેબ્રુઆરીના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે નવયુગ વિદ્યાલય – મોરબી ખાતે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ વિશિષ્ટ સાયન્સ એક્સપોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ તેમજ પ્રયોગો, જેમાં સેટેલાઈટના ઉપયોગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક જનરેટર, વેક્યૂમ ક્લીનર, પાવર સેવર ડિવાઈસ, DNA મોડેલ, માનવ હ્રદય, માનવ મસ્તિષ્ક, પરાવર્તનની સંખ્યા, જ્વાળામુખી, પ્લાસ્ટિક પ્રદૂષણનું નિવારણ, સોલર પેનલ, ચોકલેટ વેન્ડિંગ મશીન તેમજ અન્ય અવનવી કૃતિઓ રજૂ કરી હતી. આપણાં રોજિંદા જીવનમાં વિજ્ઞાનના ઉપયોગથી લઈને પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે વિદ્યાર્થીઓએ ઇનોવેટિવ થિન્કિંગ દ્વારા પોતાની કૃતિઓ તૈયાર કરી હતી. આ સાયન્સ એક્સપોની કૃતિઓ નિહાળવા આવેલ મહેમાનો તેમજ વાલીઓને વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયના વિજ્ઞાનના શિક્ષકો તેમજ કો-ઓર્ડિનેટર શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.