દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર એક દિવસ પહેલા બુધવારે મુંબઈમાં જોવા મળી હતી. હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. દેશની નાણાકીય રાજધાની અને ઉપનગરોમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ જાણ થઈ છે. આનાથી સ્થાનિક ટ્રેન સેવાઓને પણ અસર થઈ છે. કેટલીક બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ કહ્યું હતું કે બપોરની આસપાસ અરબી સમુદ્રમાં ચાર મીટરથી વધુની ભરતી આવે તેવી શક્યતા છે. જો વરસાદ ચાલુ રહેશે તો મુંબઈની પ્રજાની વેદના વધી શકે છે.
શહેરમાં મંગળવાર રાતથી વરસાદ પડી રહ્યો છે. આઈએમડી મુંબઈ ઓફિસના વડા ડો.જયંત સરકારે જણાવ્યું હતું કે, આજે મુંબઈમાં ચોમાસાણો પ્રારંભ થઇ ગયો છે. શહેર અને ઉપનગરોના અનેક વિસ્તારોમાં સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. આઇએમડીના જણાવ્યા અનુસાર કોલાબામાં 77.4 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે સાંતાક્રુઝમાં છેલ્લા 24 કલાકમાં 59.6 મીમી વરસાદ નોંધાયો હતો. આ અગાઉ સોમવારે આઇએમડીએ મુંબઈ મહાનગરના વિસ્તારો સહિત કોંકણના તમામ જિલ્લાઓમાં 9થી 12 જૂન દરમિયાન ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી.
બીએમસીના જણાવ્યા અનુસાર, ટાપુ શહેર, પૂર્વીય ઉપનગરો અને પશ્ચિમી ઉપનગરોમાં બુધવારે સવારે 8 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 48.49 મીમી, 66.99 મીમી અને 48.99 મીમી વરસાદ નોંધાયો હતો. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે બપોરની આસપાસ ૪.૧૬ મીટરની ભરતી આવે તેવી સંભાવના છે. આઇએમડીએ શહેરમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. આઈએમડીએ શનિવારે મહારાષ્ટ્રમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનની પુષ્ટિ કરી હતી.
રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાયુ.
મુંબઈમાં ભારે વરસાદ બાદ અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો છે. સાયન રેલવે સ્ટેશન અને જીટીબી નગર રેલવે સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. સાવચેતીના પગલા રૂપે કુર્લા અને સીએસએમટી વચ્ચે મુંબઇ લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. પાણી ઓછું થતાં જ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે. મધ્ય રેલવે ના સીસીપીઆરઓએ માહિતી આપી છે કે ચુનાભટ્ટી રેલ્વે સ્ટેશન નજીક ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે સીએસએમટી-વાશી વચ્ચે હાર્બર લાઇન પર ટ્રેન સેવાઓ સવારે 10.20 વાગ્યાથી સ્થગિત કરવામાં આવી છે. સાયન-કુર્લા વિભાગમાં પાણી ભરાઈ જવાને કારણે સીએસએમટી-થાણેની સેવાઓ સવારે 10.20 વાગ્યાથી મુખ્ય લાઇન પર સ્થગિત કરવામાં આવી છે.