મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આખરે અનલોક કરવાની યોજનાની ઘોષણા કરી. નવી યોજનાનો અમલ સોમવારથી શરૂ થશે. મહા વિકાસ આધાડી સરકાર દ્વારા જાહેર કરાયેલી પાંચ-સ્તરની યોજના, જિલ્લાઓમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ અને ઓક્સિજન બેડના વપરાશને આધારે તૈયાર કરવામાં આવી છે.
લેવલ-5 ના જિલ્લાઓ રેડ ઝોનમાં
જાહેર કરેલી યોજનામાં લેવલ-1 ના જિલ્લાઓને સૌથી વધુ છૂટછાટ અપાઈ છે, જ્યારે લેવલ-5 ના જિલ્લાઓને રેડ ઝોનમાં રાખીને લોકડાઉનના તમામ પ્રતિબંધો જાળવી રાખવામાં આવ્યા છે. લેવલ-1માં એવા જિલ્લાઓને સ્થાન આપ્યું છે જ્યાં કોરોના કેસનો પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો હોય અને ઓક્સિજન બેડની અછત 25 ટકાથી પણ ઓછી હોય. લેવલ-2ના જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી ઓછો હોવો જોઈએ અને ઓક્સિજન બેડનો વપરાશ 25થી 40 ટકા વચ્ચે હોવો જોઈએ અને લેવલ-3માં પોઝિટિવ રેટ પાંચ ટકાથી ઓછો હોવો જોઈએ અને ઓક્સિજન બેડ 10થી 40 ટકાની વચ્ચે હોવો જોઈએ. સ્તર ૪ અને ૫ માં એવા જિલ્લાઓને સમાવેશ થશે જેમાં સંક્રમણ દર હજી પણ નિયંત્રણમાં નથી. તેમાં લેવલ-4 જિલ્લાઓમાં કોરોના પોઝિટિવિટી રેટ 10થી 20 ટકા વચ્ચેનો હોય અને જ્યા ઓક્સિજન બેડનો વપરાશ 60 ટકાથી વધુ હોય અને લેવલ-5માં પોઝિટિવ રેટ 20 ટકાથી વધુ હોય અને જ્યા ઓક્સિજન બેડનો વપરાશ 75 ટકાથી વધુ હોય.
ઉદ્ધવ સરકારની 5 સ્તરીય નવી ગાઇડલાઇન મુજબ, લેવલ -1 અને 2 ના જિલ્લાઓમાં સરકારી કચેરીઓમાં સંપૂર્ણ હાજરીની મંજૂરી આપવામાં આવશે અને ખાનગી ક્ષેત્રની તમામ કચેરીઓ પણ ખુલશે. આ બંને કક્ષાના જિલ્લાઓમાં જાહેર સ્થળો, ઉદ્યાનો, મેદાન, સાયકલ ચલાવવું,વોકિંગ, ફિલ્મો અને સિરીયલોનું શૂટિંગ કરવું, અંતિમ વિધિમાં ભાગ લેનારા લોકોને, બાંધકામના કામો, કૃષિ કાર્યો, ઇ-કોમર્સ પ્રવૃત્તિઓ વગેરેને મંજૂરી આપવામાં આવશે. લેવલ -1 માં લોકલ ટ્રેનો સામાન્ય રીતે દોડવા માંડશે. પરંતુ લેવલ -2 માં આરોગ્યની સ્થિતિ જોયા પછી જ નિર્ણય લેવામાં આવશે. મુંબઈ જેવા લેવલ-2ના શહેરોમાં લોકલ ટ્રેનો હવે માત્ર આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ ઉપલબ્ધ થશે.
રેસ્ટોરાં લેવલ-1માં ખુલી શકશે, 50 ટકાની ક્ષમતા સાથે લેવલ-2 પર રેસ્ટોરાં ખોલવામાં આવશે. લેવલ-3માં અઠવાડિયાના દિવસોમાં 50 ટકાની ક્ષમતા સાથે સાંજે 4 વાગ્યા સુધીમાં રેસ્ટોરાં ખુલ્લી રહેશે. તે પછી પાર્સલ અને હોમ ડિલિવરીની સુવિધા ખુલ્લી રહેશે. મોટાભાગના પ્રતિબંધો પહેલાની જેમ લેવલ ૪ અને ૫ માં અમલમાં રહેશે. લેવલ-1, 2 અને 3 જિલ્લામાં મુસાફરી માટે કેટલાક નિયમો હેઠળ છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ લેવલ 4 અને 5 જિલ્લામાંથી પસાર થતા મુસાફરોને ઇ-પાસની જરૂર પડશે.આંતરરાજ્ય મુસાફરી માટે હાલમાં કોઈ નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી. વધુમાં જિલ્લાઓમાં કોરોનાની બદલાતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાંની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિઓ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકશે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોના આંકડા છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટી રહ્યા છે. આમ છતાં રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 2,07,813 છે.