કેન્દ્ર સરકાર અને માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. આરએસએસના વડા મોહન ભાગવતનાં ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટરએ ‘બ્લુ ટિક’ હટાવ્યું છે. આ પહેલા શનિવારે સવારે વાઇસ પ્રેસિડેન્ટ વેંકૈયા નાયડુના અંગત ટ્વિટર અકાઉન્ટમાંથી બ્લુ ટીક હટાવ્યું હતું.નવા IT નિયમો પર ચાલી રહેલા વિવાદો વચ્ચે ટ્વિટરે ભારતના ઉપ-રાષ્ટ્રપિત એમ. વેંકૈયા નાયડુ અને સંઘના ઘણા નેતાઓનાં અંગત ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી હતી. જોકે વિવાદ વકરતાં ટ્વિટરે ગણતરીના સમયગાળામાં નાયડુના અકાઉન્ટને ફરીથી વેરિફાય કરી દીધું હતું. ઉપ-રાષ્ટ્રપતિના કાર્યાલયના ઓફિશિયલ હેન્ડલ પર પહેલેથી જ ટિક લગાડવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, નાયડુનું અકાઉન્ટ ગત મહિને એક્ટિવ નહોતું, જે કારણોસર હેન્ડલને અનવેરિફાય કરાયું હતું.
RSSના ઘણા નેતાઓનાં ટ્વિટર અકાઉન્ટને પણ ટ્વિટરે અનવેરિફાય કર્યા હતા, જેમાં અરુણ કુમાર, ભૈયાજી જોશી અને સુરેશ જાની જેવાં દિગ્ગજ નામ પણ સામેલ છે. જોકે સંઘપ્રમુખ અને અન્યનાં અકાઉન્ટ પણ ફરીથી વેરિફાય થયાં હોય એમ શો કરાઈ રહ્યું છે. આ દરમિયાન ભાજપ મુંબઈના પ્રવક્તા સુરેશ નખુઆએ ટ્વિટરની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ભારતના સંવિધાન પર હુમલો છે.ઉપ-રાષ્ટ્રપતિના અકાઉન્ટને 11 લાખ લોકો ફોલો કરે છે. તેમના ટ્વિટર અકાઉન્ટથી ગત 11 મહિનાથી એકપણ ટ્વીટ નહોતું થયું. આ અકાઉન્ટથી 23 જુલાઈ 2020ના રોજ અંતિમ વેળા ટ્વીટ કરાયું હતું.