ભારત ટૂંક સમયમાં નૌકાદળ માટે તેની દરિયાઈ તાકાત વધારવા માટે છ અદ્યતન સબમરીન બનાવવા માટે રિકવેસ્ટ ઓફ પ્રપોઝલ જાહેર કરશે. ભારતીય નૌકાદળએ રજૂ કરેલા પ્રસ્તાવને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદે પણ મંજૂરી આપી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની બેઠકમાં 50,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ સ્વદેશી કંપની મઝાગાંવ ડોક્સ લિમિટેડ અને L&T ને સોંપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ સંધ્યાક પોતાની સેવા પૂરી કર્યા બાદ આજે નિવૃત્ત થઈ રહ્યું છે. 40 વર્ષની સેવા બાદ આ જહાજને નિવૃત્ત કરવામાં આવ્યું છે. તેની પરીકલ્પના ભૂતપૂર્વ રિયર એડમિરલ એફએલ ફ્રેઝર દ્વારા કરવામાં આવી હતી. તેનું બાંધકામ કાર્ય ૧૯૭૮ માં શરૂ કરવામાં આવ્યું હતું. આ જહાજને 26 ફેબ્રુઆરી, 1981ના રોજ વાઇસ એડમિરલ એમકે રોયે ભારતીય નૌકાદળમાં સામેલ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળ લાંબા સમયથી તેના યુદ્ધજહાજને વિશ્વમાં સૌથી અવ્વલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અને તે માટે જરૂરી છે કે નૌકાદળ પાસે અત્યાધુનિક તકનીકથી સજ્જ જહાજો અને સબમરીન હોય. ભારતના પડોશી ચીન અને તેની મદદથી પાકિસ્તાન જે રીતે તેની સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે તે જોતાં આ વધુ મહત્વપૂર્ણ બની જાય છે.