કોરોનાને કારણે સમગ્ર રાજ્યનો ટ્રાવેલ્સ અને ટૂરિઝમ બિઝનેસ સવા વર્ષથી ઠપ થઈ ગયો છે, જેના લીધે રાજ્યમાં 16 હજાર ટ્રાવેલ્સ બસોમાંથી 70 ટકા જેટલી વેચવા માટે કઢાઈ છે. અત્યારસુધીમાં અમદાવાદની 500 સહિત રાજ્યમાં 1500 બસો વેચાઈ ગઈ છે. હજી બાકી રહેલી 14 હજાર બસમાંથી નાના બસ-સંચાલકો સહિત જાણીતી ટ્રાવેલ્સ કંપનીના માલિકોએ બિઝનેસ ઠપ હોવાથી લોનના હપતા અને આરટીઓ ટેક્સ ભરવામાં પડતી મુશ્કેલી તેમ જ વાહન ઘસારાના લીધે અંદાજે 70 ટકા બસ વેચવા કાઢી છે. ધંધો ઠપ થવાથી 85 ટકા બસો પાર્કિંગમાં પડી રહી છે, જ્યારે 15 ટકા બસો કોન્ટ્રેક્ટ પર દોડી રહી છે.છેલ્લા સવા વર્ષમાં ટ્રાવેલ્સ, ટૂરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલા હોટલ, રેસ્ટોરાં, વર્કશોપ, કેટરિંગ અને એરલાઇન્સ સહિતના વ્યવસાયને અંદાજે બે હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે, જેના માટે સરકારે છ મહિના આરટીઓ ટેક્સ માફી સિવાય અન્ય કોઈપણ પ્રકારની રાહત આપી ન હોવાનો ગુજરાત ટૂરિસ્ટ વેહિકલ ઓપરેટર એસોસિયેશનના સભ્યોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સ્ક્રેપમાં આપેલી 50 બસનો આંકડો કુલ બસમાં સમાવાયો નથી. હજી દિવાળી સુધી બિઝનેસ શરૂ થવાની શક્યતા નહિવત છે ત્યારે સરકારે એક વર્ષની મર્યાદા સાથે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ.
બીજી બાજુ, કોરોનાની બીજી લહેરે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. એપ્રિલ અને મે મહિનામાં લોકોને ત્રાહિમામ કરી નાંખનારી આ લહેર જૂન મહિનામાં ધીમી થવા માંડી છે. રાજ્યમાં એપ્રિલ માસમાં 108 દ્વારા રોજના 1602 કોવિડ દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં શિફ્ટ કરાયા હતા. મે માસમાં દૈનિક આંકડો ઘટીને 856 દર્દીઓએ પહોંચ્યો હતો. હવે જુન માસના બે દિવસમાં રોજના કોરોનાના 183 દર્દીઓને જ રાજ્યભરમાંથી 108 દ્વારા શિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદ મેડિકલ એસોસિએશન અને 44 હોસ્પિટલે સીલ ખોલવા માટે કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી છે. જસ્ટિસ બેલાબેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ત્રિવેદીની બેન્ચે અમદાવાદ મ્યુનિ.ને આદેશ આપ્યો છે કે, બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગરની હોસ્પિટલો સામે બે સપ્તાહ બાદ કડક પગલાં લો. આ બે સપ્તાહ દરમિયાન 44 હોસ્પિટલમાં દાખલ દર્દીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા કોર્ટે સમય આપ્યો છે.