વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ્દ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં બોર્ડની પરીક્ષાની ફેર વિચારણા અંગે ચોક્કસ નિર્ણય લેવામાં આવી શકે છે. ગુજરાતના ધો. 12 ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે.ગુજરાત બોર્ડની ધો. 12ની પરીક્ષા રદ થઇ. કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો.
ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જુલાઈથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારી હાથ ધરાઇ હતી, પરીક્ષા કેન્દ્રો પણ નક્કી કરવાનું ચાલુ કરાયું હતું. આવા સંજોગોમાં જ કેન્દ્ર સરકારે CBSEના ધો.12ની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કરતાં રાજ્ય સરકાર પણ ગુજરાતમાં ધો.12ની પરીક્ષા લેશે નહીં તેવું શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.