કોરોના રોગચાળાને હરાવવા માટે યુ.એસ.માં ૧૨ વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવાના નિર્ણયથી મુશ્કેલી ઉભી થઇ છે. રસી આપ્યા બાદ કેટલાક બાળકોને હૃદય સબંધિતની સમસ્યા સામે આવ્યા બાદ યુ.એસ. હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ આ અંગે તપાસ શરૂ કરી છે.
જે પણ કેસ પ્રકાશમાં આવ્યા છે તેને રસી સાથે કોઈ લેવાદેવા નથી: સીડીસી
સીડીસીના વેક્સિન સેફ્ટી ગ્રુપનું કહેવું છે કે આવા ઘણા ઓછા કેસ નોંધાયા છે. તેમને આશા છે કે જે પણ કેસ સામે આવ્યા છે. તેમને રસી સાથે કોઈ લેવાદેવા નથી. બાળકોમાં જોવા મળતા દર્દને માયોકાર્ડિટિસ કહેવામાં આવે છે. તેનાથી હૃદયના સ્નાયુઓમાં સોજો આવે છે જે વિવિધ પ્રકારના ચેપને કારણે પણ શક્ય છે.
સીડીસીએ તપાસ શરૂ કરી, પરંતુ કિશોરોનું રસીકરણ ચાલુ રહેશે, દર વર્ષે 100,000 દીઠ 20 લોકોમાં માયોકાર્ડિટિસના લક્ષણો.
ન્યૂયોર્કના વેલવ્યુ હોસ્પિટલ સેન્ટરના સેલિન ગાઉન્ડરનું કહેવું છે કે આ ફક્ત એક સંયોગ છે કે રસી પછી કેટલાક બાળકો હૃદયની સમસ્યાઓથી પીડાતા જોવા મળી રહ્યા છે. ઘણા બાળકોને રસી આપવામાં આવી રહી છે પરંતુ કેટલાક જ બાળકોમા આવી સમસ્યા જોવા મળી રહી છે. તે માત્ર એક યોગાનુયોગ છે, પરંતુ વિગતવાર તપાસ જરૂરી છે.
બીજા ડોઝ પછી જોવા મળી તકલીફ
સીડીસીના જણાવ્યા અનુસાર, કિશોરો અને યુવાનોને બીજા ડોઝ માટે રસી આપ્યાના 4 દિવસ બાદ આવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ફાઇઝર અને મોર્ડનાની રસી આપવામાં આવ્યા બાદ આવા કેસ નોંધાયા છે. નવાઈની વાત એ છે કે છોકરીઓની તુલનામાં છોકરાઓમા વધુ તકલીફ જોવા મળી રહી છે. રાહતની વાત એ છે કે તકલીફ ખૂબ હળવી જોવા મળી છે. સીડીસીએ કહ્યું છે કે, આમ છતાં યુવાનોનું રસીકરણ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં 13 મે સુધી 39 લાખ બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 16,000 બાળકોને હોસ્પિટલમાં જવું પડ્યું છે. ફ્લૂને કારણે હોસ્પિટલમાં જતા બાળકોની સંખ્યા કરતાં આ સંખ્યા વધુ છે. અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના જણાવ્યા અનુસાર અમેરિકામાં કોરોનાથી 300 બાળકોના મોત થયા છે. જોકે, પુખ્ત વયના લોકો કરતાં બાળકોની સ્થિતિ વધુ સારી છે.