પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં આરોપી અને ભાગેડુ હીરાવેપારી મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાંથી ગુમ થયો છે. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે આ અંગે માહિતી આપી છે. સ્થાનિક પોલીસ ચોક્સીની શોધમાં છે. એડવોકેટ વિજય અગ્રવાલએ કહ્યું હતું કે ચોક્સીનો પરિવાર પણ ખૂબ પરેશાન છે કારણ કે તેમને પણ ખબર નથી કે શું થયું છે. જોકે ચોકસી ક્યુબા ગયો હોવાની પણ શક્યતા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) મેહુલ ચોક્સીને એન્ટીગુઆથી ભારત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી હતી. એન્ટીગુઆ સરકાર પર પણ ભારત સરકારનું ઘણું દબાણ હતું. સીબીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે તેમણે હીરાના વેપારી મેહુલ ચોક્સીના ગુમ થયાના અહેવાલોની નોંધ લીધી છે. તથ્યોની પુષ્ટિ કરવામાં આવી રહી છે.
જે સંજોગોમાં ચોક્સી ગુમ થયો છે તેનાથી ઘણા પ્રશ્નો ઊભા થઇ રહ્યાં છે. અહેવાલ મુજબ ચોકસી ટાપુના દક્ષિણ ભાગમાં એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જમવા માટે ઘરેથી સાંજે નીકળ્યો હતો. તે પોતાની કાર રેસ્ટોરન્ટમાં લઈ જઈ રહ્યો હતો. પરંતુ ત્યારબાદ તે ક્યાં ગયો તેની કંઈ જાણ નથી. ચોકસી ક્યાં ગયો તેની પરિવારને પણ જાણ નથી. જોકે, વિજય અગ્રવાલને પણ ચોક્સીના ગુમ થવાની જાણ નથી. એન્ટીગુઆ મીડિયાના જણાવ્યા અનુસાર પોલીસે મેહુલ ચોક્સીને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ગઈકાલે રાત્રે જોલી હાર્બર ખાતે તેની કારની તલાશી લેવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ કડી મળી નથી. જોકે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. એવી શક્યતા છે કે ચોકસી ક્યુબા ગયો છે, જ્યાં તેનું વૈભવી ઘર છે.
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી છે. સીબીઆઈની તપાસ શરૂ થાય તે પહેલાં તે ૨૦૧૮ માં ભારતથી ભાગી ગયો હતો. ચોક્સી નીરવ મોદીના મામા છે. નીરવ મોદી 13,000 કરોડ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડીના કેસમાં અન્ય એક મુખ્ય આરોપી પણ છે.