કોરોનાથી દેશમાં લાખો લોકોના મૃત્યુ થયા અને તમામ પરિવારો પર દુઃખના વાદળો ધેરાઇ ગયા છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારના જીવનસાથી એકલતા અનુભવે છે અને બાળકો નિરાધાર બની જાય છે. કોર્પોરેટ કંપનીઓ તેમને રાહત આપવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે. આ અંગે ટાટા સ્ટીલે મોટી જાહેરાત કરી છે. ટાટા સ્ટીલે જાહેરાત કરી છે કે તે કોરોનામાંથી તેના કોઈ પણ કર્મચારીના મૃત્યુ પર મૃતક કર્મચારીની 60 વર્ષની ઉંમર (એટલે કે નિવૃત્તિની ઉંમર સુધી) સુધી તેના આશ્રિતોને એટલે કે પરિવારને સંપૂર્ણ પગાર આપવાનું ચાલુ રાખશે. એટલું જ નહીં કંપની તેમના બાળકોના શિક્ષણ માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરશે અને આવા પરિવારોને મેડિકલ અને હાઉસિંગની સુવિધાઓ મળતી રહેશે.
કંપની કર્મચારીઓના બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવશે.
ટાટા સ્ટીલ મેનેજમેન્ટે કહ્યું છે કે કંપની સામાજિક સુરક્ષા હેઠળ તેના કર્મચારીઓને મદદ કરવા માટે શક્ય તમામ પહેલ કરી કરી રહી છે જેથી કંપનીમાં કામ કરતા દરેક કર્મચારીનું ભવિષ્ય વધુ સારું થાય. ટાટા મેનેજમેન્ટે કહ્યું છે કે જો કોરોનાના કારણે કોઈ કર્મચારીનું મોત થશે તો ટાટા સ્ટીલ તેમના આશ્રિતોને 60 વર્ષ સુધી સંપૂર્ણ પગાર ચૂકવશે. આ ઉપરાંત ફરજ દરમિયાન તમામ ફ્રન્ટલાઇન કામદારોના મૃત્યુના કિસ્સામાં કંપની ભારતમાં તેમના બાળકોના ગ્રેજ્યુએશનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.
નોંધપાત્ર બાબત એ છે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૃત્યુ બાદ તેમના આશ્રિતોને સારા પૈસા અને પેન્શન મળે છે, પરંતુ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ખાસ કંઈ મળતું નથી. પરંતુ કોરોના કટોકટીના સમયે, ખાસ કરીને વિશાળ ખાનગી કંપનીઓએ આ દિશામાં સારી પહેલ કરી છે.
કંપનીએ શું કહ્યું જાણો ?
ટાટા સ્ટીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કંપની હંમેશાં તેના કર્મચારીઓ અને હિસ્સેદારોના લાભો તરફ વિચારતી રહી છે. કોવિડ યુગમાં પણ ટાટા સ્ટીલ પોતાના તમામ કર્મચારીઓ અને સમુદાયના સમાજ કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે.’ આ પહેલા પણ ટાટાએ કર્મચારીઓના હિતમાં અનેક પગલાં લીધાં છે અને ધોરણો નક્કી કર્યા છે.