ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ કોરોના કરતા પણ મોટી મહામારી તરીકે ઊભરી આવ્યું છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજ નવા 30 દર્દી દાખલ થાય છે. હાલમાં કુલ 492 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.પરંતુ શહેરમાં હાલ મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનનો અભાવ જોવા મળ્યો છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સંપર્ક કરતા ઇન્જેક્શનનો અભાવ જોવા મળી રહ્યો છે. જેંથી દર્દીઓના પરિવારજનો પરેશાન થયા છે. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે સાંજ સુધીમાં ઈન્જેક્શન આવી જશે.બે દિવસથી એન્ફોર્સમેન્ટ-બી નામના ઇન્જેક્શન જ નથી. આ રોગની સારવારમાં આપવામાં આવતા મ્યુકોરમાઇકોસિસના એક ઈન્જેક્શનની કિંમત રૂ. 300થી લઈને 8000 સુધી છે. હવે આ રોગની સારવાર આ ઈન્જેકશન દર્દીની જરૂરિયાત મુજબ ડૉક્ટર આપે છે. કેટલાક દર્દીને 10 તો કેટલાક ને 100 ઈન્જેક્શનથી વધુની જરૂર પડે છે. અને લાંબા સમય સુધી તેનો કોર્સ ફરજીયાત કરવો પડે છે. આમ, માનસિક, શારીરિક અને આર્થિક રીતે દદી અને તેના પરિવારજનોએ દુઃખ સહન કરવું પડી રહ્યું છે.
ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને લીપોસોમોલ એન્ફોર્સમેન્ટ-બીના ઇન્જેક્શન મેળવવાની કાર્યવાહી દર્દીઓને સારવાર આપતી ખાનગી હોસ્પિટલ દ્વારા કરવાની રહેશે. લીપોસોમોલ એન્ફોર્સમેન્ટ-બી ઇન્જેક્શન મેળવવા માટે હોસ્પિટલ દ્વારા ઇન્ડેક્ટ ફોર્મ તેમજ જરૂરી આધાર પુરાવા કુંડલીયા કોલેજ ખાતે રજૂ કરવાના રહેશે. જેની ચકાસણી તબીબી તજજ્ઞો સમિતિ દ્વારા કરવામાં આવશે. જે ચકાસણી બાદ સમિતિ દ્વારા હોસ્પિટલને ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે.દર્દીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવી છે. જે હેલ્પલાઇનમાં તંત્ર દ્વારા નિયમ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.માટે આ હેલ્પલાઇન નંબર 9499804038, 9499806828,9499806486, 9499801338, 9499801383પર પર સંપર્ક કરવો.
બીજી બાજુ રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં 35 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 40707 પર પહોંચી ગઈ છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1226 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે રાજકોટમાં 219 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં 24 કલાકમાં 20 દર્દીના મોત થયા છે. જોકે, આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમીટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 19 દર્દીના મોત થયા હતા. જેમાં 3 દર્દીનું કોવિડથી મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. બીજી બાજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યા હતા. બાદમાં પરિસ્થિતિ કાબુમાં આવતા એક મહિના બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ થયું છે. જેમાં 1 કલાકમાં 1 કરોડના સોદા થયા છે. આજે મગફળી, મગ, તલ અને કપાસની આવક કરવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડ શરૂ થતા ખેડૂતો, વેપારીઓ અને મજૂરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ પણ ફરી ધમધમતું થયું છે. આજે વિવિધ જણસીની આવક પણ જોવા મળી હતી.