ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર કોરોના વાયરસના ભારતીય વેરિએન્ટ્સના અહેવાલો દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશની જાણ સમાચાર એજેન્સી રોયટર્સ દ્વારા કરવામાં આવી હતી. 11 મેના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું કે, કોરોના વાયરસનું B.1.617 વેરિએન્ટ જે ભારતમાં સૌ પ્રથમ જોવા મળેલુ છે તે વૈશ્વિક ચિંતાનો વિષય બની શકે છે. સરકાર દ્વારા તમામ સોશિયલ મીડિયા કંપનીઓને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મીડિયા અહેવાલોમા બી.૧.૬૧૭ને કોઈ પણ આધાર અને હકીકત વિના ભારતીય સ્વરૂપ તરીકે રજુ કરાયું છે. આઇટી મંત્રાલયે તમામ કંપનીઓને તેમના પ્લેટફોર્મ પરથી તમામ સમાચાર અને પોસ્ટ્સ ડિલીટ કરવા જણાવ્યું જેમાં કોરોનાના બી.૧.૬૧૭ વેરિએન્ટને ભારતીય વેરિએન્ટ તરીકે રજુ કરી છે. બી.૧.૬૧૭ કોરોનાનું એક નવું સ્વરૂપ ચોક્કસપણે છે પરંતુ તેને ભારતીય કહેવું યોગ્ય નથી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે બી.૧.૬૧૭ને ભારતીય વેરિએન્ટ કહેવું સંપૂર્ણપણે ખોટું છે. ડબ્લ્યુએચઓએ પણ આ વેરિએન્ટને ભારતીય વેરિએન્ટ ગણાવ્યું નથી, જોકે આ પત્ર જાહેર કરવામાં આવ્યો નથી.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ રોયટર્સને જણાવ્યું હતું કે આ પત્ર સોશિયલ મીડિયા કંપનીઓને કડક રીતે મોકલવામાં આવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના કોઈપણ પ્રકારને કોઈ પણ હકીકત વિના ભારતીય વેરિએન્ટ કહેવું એ દેશની છબીને કલંકિત કરે છે. આવા અહેવાલો લોકોને ખોટો સંદેશ આપી રહ્યા છે.
આ તરફ દિગ્ગજ સોશિયલ મીડિયા કંપનીઓના અધિકારીનું કહેવું છે કે પ્લેટફોર્મ પરથી એક સાથે હજારો અને લાખો કન્ટેન્ટ દૂર કરવું એ મુશ્કેલ કામ છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં કોરોનાની બીજી લહેરથી ઘણું નુકસાન થયું છે. દરરોજ લગભગ 2,50,000 સંક્ર્મણના કેસ આવી રહ્યા છે, જ્યારે લગભગ 4,000 લોકો મૃત્યુ પામી રહ્યા છે. વિકિપીડિયા પર એક પેજ પણ છે જેનું નામ છે Lineage B.1.617 જેમાં વિકિપીડિયા અનુસાર, બી.1.617 એ એક કોરોના વેરિએન્ટ છે, જેની ઓળખાણ મહારાષ્ટ્રમાં 5 ઓક્ટોબરે ભારતમાં પ્રથમ વખત થઇ હતી.