અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમના કોચ બનવા માટે તૈયાર છે. એક અહેવાલ મુજબ દ્રવિડએ આગામી શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમના ખેલાડીઓને કોચિંગ આપવા સંમતિ આપી છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસમાં ત્રણ વન ડે અને ટી-20 શ્રેણી રમવાની છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલીની ટીમમાં વ્યસ્ત રહેશે. રાહુલ દ્રવિડ બીજા વર્ગના ભારતીય ટીમના કોચ બનશે. 48 વર્ષીય દ્રવિડ અગાઉ સિનિયર ટીમને પોતાની સેવા આપી ચૂક્યો છે. ૨૦૧૪ માં ઇંગ્લેન્ડ પ્રવાસમાં તેમને ભારતીય ટીમના બેટિંગ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દ્રવિડએ બેંગલુરુમાં એનસીએના ચીફ બન્યા બાદ ભારત-એ અને અંડર-19ની ટીમો સાથે પ્રવાસ બંધ કરી દીધો હતો. દ્રવિડે 2015-19 સુધી અંડર-19 અને ઇન્ડિયા-એ ટીમોને કોચિંગ આપ્યું હતું. તેના કોચિંગ હેઠળ ભારતની અંડર-19 ટીમ 2016માં વર્લ્ડ કપ રનર્સ અપ અને 2018માં ચેમ્પિયન બની હતી. ભારતીય ક્રિકેટમાં નવા ખેલાડીઓની ફોજ બનાવવામાં રાહુલ દ્રવિડે મહત્વની ભૂમિકા ભજવી છે. મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર, પૃથ્વી શો અને શાર્દુલ ઠાકુરની સફળતા પાછળ રાહુલ દ્રવિડની મહેનત છે. શ્રીલંકા પ્રવાસ 13 જુલાઈથી શરૂ થશે. વન ડે શ્રેણીની પ્રથમ મેચ આ દિવસે રમાશે. આ પછી ૧૬ જુલાઈએ બીજી વન ડે અને ૧૯ જુલાઈએ ત્રીજી વન ડે રમાશે. ટી-૨૦ શ્રેણી ૨૨ જુલાઈથી શરૂ થશે. શ્રેણીની બીજી મેચ ૨૪ જુલાઈએ અને ત્રીજી મેચ ૨૭ જુલાઈએ રમાશે.