સામાન્ય રીતે શિયાળામાં વધારે પડતી ઠંડીને કારણે લોકો નિયમિત રીતે વાળ ધોઈ શકતા નથી અને ઘણા દિવસો સુધી વાળ ન ધોવાને કારણે વાળમાં સ્મેલ આવે છે. જેવી રીતે શરીરમાંથી આવતી વાસથી છુટકારો મેળવવા માટે આપણે વિવિધ પ્રકારની ટિપ્સ અજમાવીએ છીએ અથવા પરફ્યુમનો સહારો લઈએ છીએ, તે જ રીતે વાળની ગંધ ઓછી કરવી જરૂરી છે. જો તમારા વાળ અને માથાની ચામડીમાં એટલે કે સ્કેલ્પમાં પણ ગંધ આવવા લાગે છે, તો અમે તમને તેના કારણો અને તેના કેટલાક ઘરેલું ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.
વાળમાં ગંધ શા માટે આવે છે ?
તમારા વાળ અને માથાની ચામડી વિવિધ કારણોસર દુર્ગંધયુક્ત હોઈ શકે છે. આનું એક કારણ એ છે કે તમારા માથાની ચામડી વધુ પડતી તૈલી હોય. તૈલી ત્વચા વાળા લોકોમાં સામાન્ય રીતે માથાની ચામડી તૈલી હોય છે. વધુ પડતું તેલ ઉત્પન્ન કરતા સ્કેલ્પ્સમાંથી હંમેશાં ખરાબ ગંધ આવે તે જરૂરી નથી પરંતુ એક અલગ પ્રકારની મહેક આવે છે. તૈલી માથાની ચામડીમાંથી ખરાબ ગંધ સામાન્ય રીતે બેક્ટેરિયલ પ્રવૃત્તિઓનું પરિણામ પણ હોઈ શકે છે. બેક્ટેરિયા લગભગ હંમેશાં માથાની ચામડી પર હાજર હોય છે, પછી ભલે તમારી ખોપરીની ચામડી તૈલી હોય કે ન હોય. વધારાનું તેલ આ બેક્ટેરિયાને પોષણ આપે છે જે વાળ અને માથાની ચામડી પર સ્મેલ પેદા કરે છે.
ગંધના અન્ય કારણો
લાંબા દિવસો સુધી વાળ ન ધોવા.
હોર્મોનલ પરિવર્તન
સોરાયસિસ, ડેન્ડ્રફ અથવા એલર્જી જેવી તબીબી પરિસ્થિતિઓ
ખૂબ જ પરસેવો થવો
પ્રદૂષણ
વાળ અને સ્કેલ્પની સ્મેલને કેવી રીતે દૂર કરવી
લીંબુનો રસ
આવશ્યક સામગ્રી
લીંબુનો રસ-2 ચમચી
ગરમ પાણી-1-2 કપ
શું કરવું ?
એકથી બે કપ ગરમ પાણીમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરો.
તમારા વાળને માઈલ્ડ ક્લીન્ઝરથી ધોઈ લો. વાળ ધોયા પછી લીંબુનું પાણી વાળ અને ખોપરી પર રેડો.
તેને આ રીતે વાળ પર છોડી દો અને પછી શેમ્પૂ ન લગાવો
અઠવાડિયામાં બે વાર આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
તેનાથી વાળની ગંધ વધુ ઓછી થાય છે અને ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે.
લસણનું તેલ
આવશ્યક સામગ્રી
લસણની કળીઓ -4-5
નાળિયેર તેલ – 2 મોટી ચમચી
શું કરવું ?
લસણની કળીઓને સારી રીતે ખાંડી લો.
બે ચમચી નાળિયેર તેલ સાથે ક્રશ કરેલા લસણને થોડી મિનિટો માટે ગરમ કરો.
તેલને ગાળીને લસણને અલગ કરો અને વાળ અને માથાની ચામડી પર મસાજ કરો.
30 મિનિટ બાદ વાળને માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લો.
શ્રેષ્ઠ પરિણામો માટે અઠવાડિયામાં ૨ વખત કરો જે વાળ અને માથાની ચામડીની ગંધને દૂર કરશે.
લસણમાં હાજર એન્ટીફંગલ પ્રવૃત્તિઓ બેક્ટેરિયા સામે લડી શકે છે જે તમારા વાળમાં સ્મેલનું કારણ બને છે.
નોંધ: આ લેખ માત્ર તમારી માહિતી માટે છે, આને કોઈ તબીબી સલાહ તરીકે ન લેવી.