મહારાષ્ટ્રમાં ગઢચિરૌલીથી નક્સલ વિરોધી ઓપરેશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસની સી-60 યુનિટ અને નક્સલવાદીઓના વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા છે. ગઢચિરૌલી જંગલ વિસ્તારના એટાપલ્લી પાસેથી તેમના મૃતદેહો મળી આવ્યા છે. 13 મેના રોજ પણ નક્સલ વિરોધી ઓપરેશનમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર ધનોરા તાલુકાના મોરચુલ ગામ નજીક જંગલ વિસ્તારમાં થયું હતું. પોલીસ તરફથી 13 મેના રોજ બનેલી ઘટના અંગે મળેલી માહિતી મુજબ મોરચુલના જંગલોમાં 25 નક્સલવાદીઓ એકઠા થયા હતા. પોલીસને જોઈને નક્સલીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા જ્યારે અન્ય નક્સલવાદીઓ આ વિસ્તારમાંથી ભાગી ગયા હતા. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં એક મહિલા નક્સલવાદીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. એન્કાઉન્ટર બાદ નક્સલીઓ ગાઢ જંગલ તરફ ભાગી ગયા હતા અને બાદમાં આ વિસ્તારની શોધખોળ દરમિયાન પોલીસને બે નક્સલવાદીઓના મૃતદેહો મળી આવ્યા હતા. શોધ દરમિયાન આ વિસ્તારમાંથી નક્સલ સંબંધિત સામગ્રી પણ મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં સુરક્ષા દળોના જવાનો ઉપરાંત અહીં રહેતા લોકોને પણ નક્સલવાદીઓ નિશાન બનાવે છે. રાજ્ય પોલીસે આ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કાર્યરત નક્સલવાદીઓ સામે ઝુંબેશ શરૂ કરી છે. આ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી ગ્રામજનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણના અહેવાલો સામે આવે છે. આ અંગે જ પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે દેશમાં અગાઉની તુલનામાં નક્સલવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળ્યો છે.ઉલ્લેખનીય છે કે દેશના 126 જિલ્લાઓમાંથી સરકારે 44 જિલ્લાઓને નક્સલ મુક્ત વિસ્તારો જાહેર કર્યા છે. નક્સલી પ્રભાવિત વિસ્તારોમાં આઠ નવા જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.